Gujarat Investment: જાપાનમાં ગુજરાતના રોકાણ માટે હર્ષ સંઘવીની મેગા કવાયત, કંપનીઓ સાથે બેઠકો



Gujarat Investment
Gujarat Investment: જાપાનમાં ગુજરાતના રોકાણ માટે હર્ષ સંઘવીની મેગા કવાયત, કંપનીઓ સાથે બેઠકો



Gujarat Investment
Gujarat Investment: ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા અને ગુજરાત-જાપાનના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાનના પ્રવાસે છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં ટોક્યો અને શિઝુઓકા ખાતે તેમના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસ દરમિયાન વન-ટુ-વન બેઠકો, સરકારી સ્તરે દ્વિપક્ષીય સંવાદ, ટેક્સટાઇલ રાઉન્ડટેબલ અને સત્તાવાર ડિનર સહિત કુલ 11 મહત્વપૂર્ણ કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે.
જાપાનની અગ્રણી કંપનીઓ સાથે રોકાણ અંગે ચર્ચા
પ્રવાસના પ્રારંભિક સત્રમાં હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અલ્ટ્રાફેબ્રિક્સ, કાનેકા અને ઇતોચુ કોર્પોરેશન સહિતની કંપનીઓ સાથે ચાર મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં ગુજરાતમાં રોકાણની સંભાવનાઓ અને વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અલ્ટ્રાફેબ્રિક્સ હોલ્ડિંગ્સના પ્રેસિડેન્ટ યોશિમુરા સાથે સિન્થેટિક લેધર અને સંબંધિત ક્ષેત્રોમાં રોકાણની તકો અંગે વિચારવિમર્શ થયો હતો. કાનેકા કોર્પોરેશનના પ્રેસિડેન્ટ ઇસાવ ઓત્સુ સાથે કેમિકલ અને લાઇફસાયન્સ ક્ષેત્રે સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી. જ્યારે ઇતોચુ કોર્પોરેશનના વરિષ્ઠ હોદ્દેદારો સાથે ગ્રીન એનર્જી, વૈશ્વિક વેપાર અને ગ્રીન ઇનોવેશન ક્ષેત્રે સહયોગની શક્યતાઓ પર વાતચીત થઈ હતી.
આ ઉપરાંત હાઇરેસો સાથે ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) અંગે પણ બેઠક યોજાઈ હતી.
શિઝુઓકાના ગવર્નર સાથે દ્વિપક્ષીય સંવાદ
નિર્ધારિત કાર્યક્રમ મુજબ હર્ષ સંઘવી બુલેટ ટ્રેન મારફતે શિઝુઓકા પહોંચશે અને ત્યાંના ગવર્નર યાસુતોમો સુઝુકી સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ગુજરાત અને શિઝુઓકા વચ્ચે ઔદ્યોગિક વિકાસ, આધુનિક ટેક્નોલોજી અને પરસ્પર સહયોગ વધારવા અંગે ચર્ચા થવાની છે. ગવર્નરને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપવાનું પણ આયોજન છે.
ટેક્સટાઇલ, ઓટો કમ્પોનન્ટ અને ગ્રીન ટેક્નોલોજી પર ફોકસ
ટોક્યો પરત ફર્યા બાદ હર્ષ સંઘવી ફ્યુજીફિલ્મ કોર્પોરેશન, યાઝાકી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ગ્રીન કાર્બનના પ્રતિનિધિઓ સાથે બેઠકો કરશે. તેમાં ઇલેક્ટ્રોનિક મટિરિયલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ અને કાર્બન ક્રેડિટ ક્ષેત્રે સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા થવાની છે.
ટેક્સટાઇલ ક્ષેત્રના જાપાની રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો સાથે યોજાનારી હાઇ-લેવલ રાઉન્ડટેબલ બેઠકમાં ગુજરાતનું ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ, નવી ટેક્સટાઇલ નીતિ અને વૈશ્વિક નિકાસની તકો રજૂ કરવામાં આવશે. જાપાની ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ કરવા અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરવાનો પણ ઉદ્દેશ છે.
પ્રવાસના અંતે ટોક્યો સ્થિત ‘ઇન્ડિયા હાઉસ’ ખાતે જાપાનમાં ભારતના રાજદૂત દ્વારા હર્ષ સંઘવી અને તેમના પ્રતિનિધિમંડળના સન્માનમાં વિશેષ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ દ્વારા ગુજરાત માટે નવા રોકાણ, ટેક્નોલોજી સહયોગ અને આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક ભાગીદારીની તકો વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.






