Dahod News: ઢઢેલા ગામે સસ્તા અનાજના કટ્ટામાં વજનની ઘટ, મચ્યો હોબાળો

Dahod News: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે સસ્તા અનાજના જથ્થામાં વજન ઓછું નીકળતા હોબાળો મચ્યો છે.
Kunjan ShuklaUpdated on: 24 Oct 2026 09:11 PM IST
Dahod News: ઢઢેલા ગામે સસ્તા અનાજના કટ્ટામાં વજનની ઘટ, મચ્યો હોબાળોDahod News: ઢઢેલા ગામે સસ્તા અનાજના કટ્ટામાં વજનની ઘટ, મચ્યો હોબાળો

Dahod News

Dahod News: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે સસ્તા અનાજના જથ્થામાં વજન ઓછું નીકળતા હોબાળો મચ્યો છે. ગરીબ પરિવારોને વિતરણ માટે આવતા અનાજના કટ્ટાઓમાં વજનની ઘટ સામે આવતા અનાજના જથ્થાની હેરાફેરી થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

ઓછા વજનનો જથ્થો લીમખેડા ગોડાઉન પરત મોકલાયો

મળતી માહિતી મુજબ, ઢઢેલા ગામના પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં સરકારી વિતરણ માટે અનાજનો જથ્થો પહોંચ્યો હતો. જોકે, અનાજના કટ્ટાઓનું વજન તપાસતા તેમાં નિર્ધારિત વજન કરતાં ઓછો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. આ બાબતની જાણ દુકાનના સંચાલક રિતેશ પાલે લીમખેડાના મામલતદાર અનિલ વસાવાને કરી હતી. મામલતદાર અનિલ વસાવાએ ઓછા વજનનો જથ્થો સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને પૂરા વજનનો અનાજનો જથ્થો મોકલવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ ઓછા વજનવાળો જથ્થો લીમખેડા ગોડાઉન પરત મોકલવામાં આવ્યો હતો.

ગોડાઉનની કામગીરી સામે સવાલો

આ મામલે વધુ એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. જણાવ્યા અનુસાર, પરત મોકલવામાં આવેલો અનાજનો જથ્થો બપોરે દોઢ વાગ્યે ગોડાઉન પહોંચ્યો હતો, પરંતુ સાંજે સાડા ચાર વાગ્યા સુધી તેની તપાસ કરવામાં આવી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બાબતે ગોડાઉન મેનેજર અને ડી.એસ.ડી. કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. બીજી તરફ, દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફોન રિસીવ ન થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

નિષ્પક્ષ તપાસની માગ

સરકારી યોજનાનો લાભ મેળવતા ગરીબ પરિવારોને પૂરતા પ્રમાણમાં અનાજ મળે તે જરૂરી છે. ત્યારે અનાજના કટ્ટામાં વજનની ઘટ કેવી રીતે આવી અને જવાબદાર કોણ છે તે અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માગ ઊઠી છે. સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો અનાજના વિતરણમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તે સ્પષ્ટ થઈ શકે છે. હાલ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ અને તપાસના પરિણામની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: Vadodara News: પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી કરોડોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું, 1 નાઈજીરિયન નાગરિકની ધરપકડ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.