GMDC Dividend : GMDCએ ગુજરાત સરકારને રૂપિયા 223.54 કરોડનું ડિવિડન્ડ ચુકવ્યું, CMને ચેક કર્યો અર્પણ


GMDC Dividend
GMDC Dividend : GMDCએ ગુજરાત સરકારને રૂપિયા 223.54 કરોડનું ડિવિડન્ડ ચુકવ્યું, CMને ચેક કર્યો અર્પણ


GMDC Dividend
GMDC Dividend : ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જી.એમ.ડી.સી.) દ્વારા વર્ષ 2025-26 માટે રૂપિયા 223.54 કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગર ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના આ સાહસ દ્વારા ખનિજ સંસાધનોના વિકાસ અને રાજ્યના ઔદ્યોગિક તથા આર્થિક વિકાસમાં યોગદાન આપવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડિવિડન્ડનો ચેક અર્પણ
જી.એમ.ડી.સી.ના ચેરમેન અને રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડિવિડન્ડની રકમમાં રાજ્ય સરકારના હિસ્સાનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, જી.એમ.ડી.સી.ના મેનેજિંગ ડિરેક્ટર અજય ભાદુ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર અને અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
ખનિજ ક્ષેત્રે જી.એમ.ડી.સી.નું યોગદાન
વર્ષ 1963માં સ્થાપિત જી.એમ.ડી.સી. દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની ખનન કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપની વૈજ્ઞાનિક, કાર્યક્ષમ અને ટકાઉ પદ્ધતિથી ખનિજ સંસાધનોનો વિકાસ કરીને રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કંપની મુખ્યત્વે લિગ્નાઈટ, બોક્સાઇટ, લાઇમસ્ટોન, ફ્લોરસ્પાર અને સિલિકા સેન્ડ સહિતનાં ખનિજોના ખનન તથા વેચાણ સાથે સંકળાયેલી છે.
ઊર્જા સુરક્ષા અને નવા ક્ષેત્રો પર ધ્યાન
ગુજરાત ઉપરાંત ઓડિશામાં જી.એમ.ડી.સીને બૈતરણી વેસ્ટ, બુરાપહાર અને કુદાનાલી-લુબરી એમ ત્રણ કોલસા બ્લોક્સ મળ્યા છે. આ બ્લોક્સના વિકાસથી ગુજરાતની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષાને મજબૂતી મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત, કંપની નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે પણ કાર્યરત છે. રેર અર્થ એલિમેન્ટ્સ, તાંબું અને અન્ય વ્યૂહાત્મક ખનિજોના ક્ષેત્રોમાં વિકાસની તકો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જી.એમ.ડી.સી. દ્વારા રાજ્ય સરકારને અર્પણ કરાયેલો આ ડિવિડન્ડ ચેક કંપનીની આર્થિક કામગીરી અને રાજ્યની આવકમાં તેના યોગદાનને દર્શાવે છે.
આ પણ વાંચો: Ahmedabad News: નરોડામાં પોર્ટર એપથી MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, એરબડ્સના પેકિંગમાં છુપાવ્યું હતું ડ્રગ્સ





