Ahmedabad News: નરોડામાં પોર્ટર એપથી MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, એરબડ્સના પેકિંગમાં છુપાવ્યું હતું ડ્રગ્સ


Ahmedabad News
Ahmedabad News: નરોડામાં પોર્ટર એપથી MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, એરબડ્સના પેકિંગમાં છુપાવ્યું હતું ડ્રગ્સ


Ahmedabad News
Ahmedabad News: અમદાવાદની નરોડા પોલીસે નાના ચિલોડા સર્કલ પાસેથી 0.77 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરીને નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ દ્વારા ડ્રગ્સની હેરાફેરી માટે પોર્ટર ડિલિવરી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો. એરબડ્સના પેકિંગમાં ઝીપર બેગ દ્વારા ડ્રગ્સ છુપાવી પાર્સલ મારફતે મોકલવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે. આ કેસમાં પોલીસે ડ્રગ્સ મગાવનાર પ્રિયાંક સંઘવીની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ મોકલનાર અમિત સિંધીને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એરબડ્સના પેકિંગમાં છુપાવ્યું હતું ડ્રગ્સ
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ડ્રગ્સને એરબડ્સના પેકેજિંગમાં ઝીપર બેગમાં છુપાવી પાર્સલ મારફતે મોકલવામાં આવ્યું હતું. પાર્સલના રિસીપિયન્ટ તરીકે અજાણ્યા વ્યક્તિના મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નાગરિક સતીશ ચારણકાના મોબાઈલ પર OTP આવતાં તેમણે ડિલિવરી એજન્ટ વસંત સોલંકીનો સંપર્ક કર્યો હતો. પાર્સલ ખોલીને તપાસ કરતાં તેમાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. જેથી સતીશ ચારણકા અને પોર્ટરના ડિલિવરી એજન્ટ વસંત સોલંકીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બંનેની સતર્કતાને કારણે સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ડ્રગ્સ મગાવનારની ધરપકડ
પોલીસ તપાસમાં ડ્રગ્સ મગાવનાર તરીકે પ્રિયાંક સંઘવીનું નામ સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ડ્રગ્સ મોકલનાર અમિત સિંધીએ ભાટ વિસ્તારમાં કોઠારી હોસ્પિટલ નજીક ડિલિવરી એજન્ટને પાર્સલ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. અમિત સિંધી સરદારનગર વિસ્તારનો રહેવાસી છે અને તેને ઝડપી પાડવા પોલીસની કાર્યવાહી ચાલુ છે. નરોડા પોલીસે 0.77 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરીને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હવે ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં અને ડ્રગ્સનું વેચાણ ક્યાં-ક્યાં કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ કુરિયર અને ડિલિવરી એપ્લિકેશનનો ઉપયોગ કરીને નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાની આશંકા ઊભી કરી છે. પોલીસ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Jamnagar News: ITI કોલેજમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો ABVPનો આક્ષેપ, તંત્રને 7 દિવસનું આપ્યું અલ્ટીમેટમ





