Get News Alerts

Never miss breaking news updates.

Salangpur : શ્રીકષ્ટભંજનદેવને ચોકલેટનો ભવ્ય શણગાર, દાદાના સિંહાસને મોર-પાંખની આકર્ષક કૃતિથી શણગારાયું

Salangpur : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને અનોખો અને આકર્ષક ચોકલેટ શણગાર કરવામાં આવ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 29 Aug 2026 09:50 AM IST
Salangpur : શ્રીકષ્ટભંજનદેવને ચોકલેટનો ભવ્ય શણગાર, દાદાના સિંહાસને મોર-પાંખની આકર્ષક કૃતિથી શણગારાયુંSalangpur : શ્રીકષ્ટભંજનદેવને ચોકલેટનો ભવ્ય શણગાર, દાદાના સિંહાસને મોર-પાંખની આકર્ષક કૃતિથી શણગારાયું

Salangpur Dham

Salangpur : સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને વિવિધ ચોકલેટનો દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

29 ઓગસ્ટ 2026, શનિવારના રોજ દાદાને ચાંદીનો મુકુટ તથા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ પ્રકારની ચોકલેટથી ભવ્ય સિંહાસન શણગારવામાં આવ્યું હતું. ખાસ કરીને દાદાના સિંહાસનની બંને બાજુ ચોકલેટથી તૈયાર કરવામાં આવેલા દિવ્ય મોર અને પાંખોની સુંદર કૃતિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

દાદાને ચોકલેટનો વિશેષ શણગાર કરાયો

સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 11:15 કલાકે વિવિધ પ્રકારના ચોકલેટનો દિવ્ય અન્નકૂટ દાદાને અર્પણ કરવામાં આવ્યો હતો.

દાદાના આ અનોખા શણગારમાં મોરપીંછની થીમને પણ ખાસ સ્થાન આપવામાં આવ્યું હતું. ચોકલેટથી તૈયાર કરવામાં આવેલી કલાત્મક કૃતિઓ અને વિશાળ અન્નકૂટના દર્શનથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ સાળંગપુરધામ ખાતે પ્રત્યક્ષ દર્શન કર્યા હતા, જ્યારે અનેક હરિભક્તોએ ઓનલાઈન માધ્યમથી પણ આ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.

હિંડોળા દર્શનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે

શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હિંડોળાની કલાત્મક સજાવટ અને શ્રીજી મહારાજના મનોહર સ્વરૂપના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. સાથે જ દરરોજ સાંજે 5:00થી 6:30 કલાક સુધી શ્રી હૃદયપ્રકાશ સ્વામી દ્વારા દિવ્ય કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.સાળંગપુરધામ ખાતે 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધી શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

દર શનિવારે અલગ-અલગ દિવ્ય અન્નકૂટ, દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, દર સોમવારે શિવસ્વરૂપ શણગાર અને દર રવિવારે રાજોપચાર પૂજન તથા મહાસંધ્યા આરતી યોજાશે. આ ઉપરાંત 4 સપ્ટેમ્બરે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJ અને રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોને પરિવાર સાથે પધારી દિવ્ય શણગાર, અન્નકૂટ અને ધાર્મિક કાર્યક્રમોના દર્શનનો લાભ લેવા મંદિર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Nepal Flood : ભયાનક પૂર બાદ વિદેશી મદદ સ્વીકારવા તૈયાર નેપાળ તૈયાર, ભારત સહિત અનેક દેશોએ મદદનો હાથ લંબાવ્યો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.