Get News Alerts

Never miss breaking news updates.

Agriculture News : ઓછો ખર્ચ, ઓછી માવજત અને લાખોની આવક! મોસંબીની ખેતી બની ખેડૂતોની પહેલી પસંદ

Agriculture News : પરંપરાગત ખેતીની સાથે હવે ખેડૂતો બાગાયતી ખેતી તરફ પણ આગળ વધી રહ્યા છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કોરીયા ગામના ખેડૂતોએ પણ ખેતીમાં નવો રસ્તો અપનાવ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 03 Sep 2026 07:38 AM IST
Agriculture News : ઓછો ખર્ચ, ઓછી માવજત અને લાખોની આવક! મોસંબીની ખેતી બની ખેડૂતોની પહેલી પસંદAgriculture News : ઓછો ખર્ચ, ઓછી માવજત અને લાખોની આવક! મોસંબીની ખેતી બની ખેડૂતોની પહેલી પસંદ

Agriculture News Bhavnagar

Agriculture News : ગામના ખેડૂતો હવે પરંપરાગત પાકોને બદલે મોસંબીની ખેતી તરફ વળી રહ્યા છે. હાલ કોરીયા ગામમાં 100 વીઘાથી વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે. કોરીયા ગામના ખેડૂતો માટે મોસંબીનો પાક ખેતીમાં એક નવો અને આશાસ્પદ વિકલ્પ બની રહ્યો છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ મોસંબીનો પાક પ્રમાણમાં ઓછા સમયમાં તૈયાર થતો હોવાથી ખેડૂતોને અન્ય પાકોની સરખામણીએ રાહત મળે છે. સાથે જ મોસંબીના છોડને પ્રમાણમાં ઓછી માવજતની જરૂર પડતી હોવાથી ખેડૂતોમાં આ પાક પ્રત્યે રસ સતત વધી રહ્યો છે.

મોસંબીનું વાવેતર ખેડૂતોને ફળ્યું

ખેડૂતોનું કહેવું છે કે, મોસંબીના પાકમાં સામાન્ય રીતે મોટા પ્રશ્નો ઊભા થતા ન હોવાથી ખેતીનું વ્યવસ્થાપન સરળ બને છે. જેના કારણે ગામના વધુને વધુ ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. મોસંબીની ખેતીમાં ખર્ચ અને આવકનો હિસાબ પણ ખેડૂતોને આકર્ષી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ એક વીઘા મોસંબીની ખેતી પાછળ અંદાજે રૂપિયા 20 હજાર જેટલો ખર્ચ થાય છે.

બીજી તરફ સીઝન દરમિયાન મોસંબીનો ભાવ આશરે રૂ. 15થી 20 પ્રતિ કિલો સુધી મળતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ઉત્પાદન અને બજારભાવ સારો રહે તો એક વીઘામાંથી આશરે રૂ. 1 લાખથી 1.50 લાખ સુધીની આવક મળી શકે છે. ઓછા ખર્ચની સામે આવકની સારી સંભાવના હોવાથી મોસંબીની ખેતી ખેડૂતો માટે આકર્ષક વિકલ્પ બની રહી છે.

ખેતીમાં બદલાવ જરૂરી છે

પરંપરાગત ખેતીમાં ખર્ચ, માવજત અને બજારની અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતો હવે પાકની પસંદગીમાં પણ બદલાવ લાવી રહ્યા છે. બાગાયતી ખેતીમાં આવકની સારી સંભાવના દેખાતા કોરીયા ગામના ખેડૂતો મોસંબીના વાવેતર તરફ વધુ વળ્યા છે. હાલમાં 100 વીઘાથી વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર થવાથી કોરીયા ગામ ધીમે ધીમે મોસંબીની ખેતી માટે પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી રહ્યું છે.

ઓછો ખર્ચ, ઓછી માવજત અને સારી આવકની શક્યતા—આ ત્રણ બાબતોને કારણે મોસંબી કોરીયા ગામના ખેડૂતો માટે નવી આશાનું ફળ બની રહી છે. આગામી સમયમાં જો બજારભાવ અને ઉત્પાદન ખેડૂતોની અપેક્ષા મુજબ રહે તો મોસંબીના વાવેતરનો વિસ્તાર હજુ વધે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Surat : સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાંથી નીકળ્યો કોકરોજ, વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.