Aravalli News: સરકારી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિનો આક્ષેપ, ઘઉંના બારદાનમાં ખાતર અને દાળ ભર્યાનો પર્દાફાશ


Aravalli News
Aravalli News: સરકારી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિનો આક્ષેપ, ઘઉંના બારદાનમાં ખાતર અને દાળ ભર્યાનો પર્દાફાશ


Aravalli News
Aravalli News: જિલ્લામાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાને લઈને મોટી ગેરરીતિ સામે આવી હોવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. મેઘરજ તાલુકાની ધી નારણપુર સેવા સહકારી મંડળીમાં અનાજના જથ્થાની ઘટ છુપાવવા માટે ઘઉંના બારદાનમાં યુરિયા ખાતર સહિત અન્ય દાળનો જથ્થો ભરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં મોટી ઘટ હોવાનો મુદ્દો સામે આવ્યો
મળતી વિગતો અનુસાર, દુકાનમાં ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં મોટી ઘટ હોવાનો મુદ્દો સામે આવ્યો છે. ઘઉંના બારદાનમાં યુરિયા ખાતરની થેલીઓ ભરીને જથ્થો દર્શાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત, ઘઉંના બારદાનમાં ચણાની દાળ અને તુવેરની દાળનો જથ્થો ભરીને પણ ગેરરીતિ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.
ગ્રામજનોની જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ
આ મામલે ઘઉંનો 3,716 કિલો, ચોખાનો 2,683 કિલો અને ખાંડનો 695 કિલો જથ્થો ગાયબ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મળવાપાત્ર સરકારી અનાજના જથ્થામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપોને પગલે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. ગ્રામજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે. ઘટનાની જાણ થતાં મેઘરજ પુરવઠા વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દુકાનમાં ઉપલબ્ધ જથ્થાની તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ ટીમે રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા પુરવઠા વિભાગને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હવે આ મામલે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. સરકારી અનાજમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપોની તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. જોકે, ગેરરીતિ અંગેના અંતિમ તારણો સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: Jamnagar News: ગટરની સમસ્યા ઉકેલનારને રૂપિયા 5,555નું ઈનામ! ભાજપના કોર્પોરેટરનું અનોખું એલાન





