Get News Alerts

Never miss breaking news updates.

Amreli News: રાજુલામાં વનવિભાગના 45 રેલવે કર્મચારીઓના શોષણનો આરોપ, પગાર-PF મુદ્દે હડતાળની ચીમકી

Amreli News: રાજુલામાં વનવિભાગના રેલવે ટ્રેક પર ફરજ બજાવતા કર્મચારીઓના કથિત શોષણનો ગંભીર મામલો સામે આવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 21 Oct 2026 09:30 PM IST
Amreli News: રાજુલામાં વનવિભાગના 45 રેલવે કર્મચારીઓના શોષણનો આરોપ, પગાર-PF મુદ્દે હડતાળની ચીમકીAmreli News: રાજુલામાં વનવિભાગના 45 રેલવે કર્મચારીઓના શોષણનો આરોપ, પગાર-PF મુદ્દે હડતાળની ચીમકી

Amreli News

Amreli News: રાજુલામાં વનવિભાગના રેલવે ટ્રેક પર ફરજ બજાવતા કર્મચારીઓના કથિત શોષણનો ગંભીર મામલો સામે આવ્યો છે. એજન્સી દ્વારા છેલ્લા 10 વર્ષથી કામગીરી કરતા આશરે 45 કર્મચારીઓને સમયસર પગાર, પ્રોવિડન્ટ ફંડ (PF) અને બોનસ ન આપવામાં આવતું હોવાના આક્ષેપો સાથે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કર્મચારીઓએ રાજુલા મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરી છે.

જોખમી કામગીરી છતાં સુરક્ષાના સાધનોનો અભાવ હોવાનો આક્ષેપ

મળતી વિગતો અનુસાર, રાજુલાથી પીપાવાવ પોર્ટ સુધીના રેલવે ટ્રેક પર વન્યપ્રાણીઓની સુરક્ષા અને તેમના સુરક્ષિત ક્રોસિંગ માટે વનવિભાગના રેલવે સેવકો ફરજ બજાવે છે. આ વિસ્તારમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓની અવરજવર હોવાથી કર્મચારીઓની કામગીરી જોખમી માનવામાં આવે છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે પૂરતા સુરક્ષા સાધનો વિના તેમની પાસે 12-12 કલાક સુધી મજૂરી કરાવવામાં આવે છે. આ ઉપરાંત, પગાર અને અન્ય નાણાકીય લાભો સમયસર ન મળતા તેમની આર્થિક સ્થિતિ પર પણ અસર પડી રહી છે.

રજૂઆત કરતાં નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીનો આક્ષેપ

કર્મચારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે તેમની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવે ત્યારે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. અગાઉની એજન્સી ભક્તિ મેનેજમેન્ટ સામે પણ પગાર અને PFની રકમમાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. કર્મચારીઓએ હાલની વ્યવસ્થામાં ફેરફાર કરી નવી એજન્સી નિયુક્ત કરવાની માગ કરી છે.

27 ઑક્ટોબરથી અનિશ્ચિત હડતાળની ચીમકી

કર્મચારીઓએ ચીમકી આપી છે કે 26 ઑક્ટોબર સુધીમાં તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો 27 ઑક્ટોબરથી ભેરાઈના 13 નંબરના રેલવે ફાટક પાસે ગાંધી ચિંધ્યા માર્ગે અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે. સમગ્ર મામલે શેત્રુંજી ડિવિઝન વનવિભાગના અધિકારીઓનું મૌન જોવા મળી રહ્યું છે. કર્મચારીઓના આક્ષેપો અંગે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે તંત્ર આ મામલે શું પગલાં ભરે છે અને કર્મચારીઓની માગણીઓનો ક્યારે ઉકેલ આવે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: Ahmedabad 34 Lakh Robbery: અમદાવાદમાં રૂપિયા 34 લાખની લૂંટની આશંકા, રાજેન્દ્ર પાર્ક બ્રિજ પરથી વેપારીનું અપહરણ કરી ધોળાકુવા પાસે ઉતાર્યાનો આક્ષેપ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.