Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad News: રૂપિયા 15 લાખની રોકડ માટે વૃદ્ધાની હત્યા, મૃતદેહ બેગમાં ભરી સગેવગે કરવાનો પ્રયાસ

Ahmedabad News: શહેરના ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જીવન રક્ષા ફ્લેટમાંથી વૃદ્ધા લક્ષ્મીબેન ડાભીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.
Kunjan ShuklaUpdated on: 20 Oct 2026 05:16 PM IST
Ahmedabad News: રૂપિયા 15 લાખની રોકડ માટે વૃદ્ધાની હત્યા, મૃતદેહ બેગમાં ભરી સગેવગે કરવાનો પ્રયાસAhmedabad News: રૂપિયા 15 લાખની રોકડ માટે વૃદ્ધાની હત્યા, મૃતદેહ બેગમાં ભરી સગેવગે કરવાનો પ્રયાસ

Ahmedabad News

Ahmedabad News: શહેરના ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જીવન રક્ષા ફ્લેટમાંથી વૃદ્ધા લક્ષ્મીબેન ડાભીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આરોપી લોન અપાવવાનું કામ કરતો હતો

તપાસ દરમિયાન વૃદ્ધાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે મૃતકના સંબંધી પ્રહર્ષ અશ્વિનભાઈ અમીનની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, લક્ષ્મીબેન ડાભી ઘરમાં એકલાં રહેતા હતા. તેમના પતિનું વર્ષ 2013માં અવસાન થયું હતું અને તેમને કોઈ સંતાન નહોતું. બીજી તરફ, આરોપી પ્રહર્ષ અમીન રખિયાલ વિસ્તારમાં રહેતો હતો અને ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલરની લોન અપાવવાનું કામ કરતો હતો.

રોકડ રકમને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી

પ્રાથમિક તપાસ મુજબ, રૂપિયા 15 લાખની રોકડ રકમને લઈને હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પરિવારથી નાણાકીય વ્યવહાર છુપાવવા માટે મૃતકના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું. જોકે, સવારે લક્ષ્મીબેને આરોપીની બેગમાં રાખેલી રોકડ રકમ જોઈ લેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી અને ઝપાઝપી દરમિયાન આરોપીએ કાતર વડે હુમલો કરીને વૃદ્ધાની હત્યા કરી હોવાનો આરોપ છે. હત્યા કર્યા બાદ આરોપીએ મૃતદેહને મોટા બેગમાં ભરીને સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ પ્રયાસ નિષ્ફળ જતાં તેણે ઘટનાસ્થળે તાળું મારી દીધું હતું અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

હત્યાનો ભેદ ઉકેલાયો અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો

ઘરમાંથી દુર્ગંધ આવવાની જાણ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતકના સંબંધીઓની પૂછપરછ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી. અંતે હત્યાનો ભેદ ઉકેલાયો અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીએ ગુનો કબૂલ્યો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ સંબંધોમાં વિશ્વાસ અને નાણાકીય વિવાદના ગંભીર પરિણામો અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: Kutch News: પશ્ચિમ કચ્છ LCBની ત્રગડીમાં મોટી કાર્યવાહી, દારૂ અને ચોખા સહિત રૂપિયા 72.28 લાખનો મુદ્દામાલ જપ્ત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.