Vadodara Thar Accident: નશામાં ધૂત થાર ચાલકે કાલાઘોડા બ્રિજ પર સર્જ્યો અકસ્માત, દિવાળીનું સ્ટ્રક્ચર તોડી પાડ્યું

Vadodara Thar Accident: વડોદરા શહેરમાં નશામાં વાહન ચલાવતા બેફામ ચાલકોનો આતંક સામે આવ્યો છે. શહેરના કાલાઘોડા બ્રિજ પર નશાની હાલતમાં હોવાની આશંકા વચ્ચે થાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો.
Kunjan Shukla
Vadodara City Thar Accident NewsVadodara City Thar Accident News

Vadodara City Thar Accident News

Vadodara Thar Accident: વડોદરા શહેરમાં નશામાં વાહન ચલાવતા બેફામ ચાલકોનો આતંક સામે આવ્યો છે. શહેરના કાલાઘોડા બ્રિજ પર નશાની હાલતમાં હોવાની આશંકા વચ્ચે થાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. થારની જોરદાર ટક્કરથી દિવાળીના તહેવાર નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

દિવાળીનું સુશોભન સ્ટ્રક્ચર અડફેટે લીધું

મળતી માહિતી અનુસાર, કાલાઘોડા બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક થાર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ દિવાળીનું સુશોભન સ્ટ્રક્ચર અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે સમગ્ર સ્ટ્રક્ચર જમીનદોસ્ત થઈ ગયું હતું. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરની સુંદરતા વધારવા માટે બનાવવામાં આવેલી આ સજાવટને ભારે નુકસાન પહોંચ્યું હતું.

કારમાં સવાર લોકો નશાની હાલતમાં હોવાની આશંકા

અકસ્માત બાદ ઘટનાસ્થળે તપાસ દરમિયાન થાર કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. એટલું જ નહીં, કારમાંથી દારૂ પીવા માટે ઉપયોગમાં લેવાતા ખાલી ગ્લાસ પણ મળી આવ્યા હતા. આ બાબતોને પગલે કારમાં સવાર લોકો નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે થાર ચાલક સહિત કારમાં સવાર અન્ય એક શખ્સની પણ અટકાયત કરી હતી.

સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં તહેવારો દરમિયાન લોકોની અવરજવર વધી જતી હોય છે ત્યારે નશામાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. ખાસ કરીને જાહેર રસ્તાઓ પર દારૂના નશામાં વાહન ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા ચાલકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માગ છે.

આ પણ વાંચો: Jamnagar News: ભીડભરી બજારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષા બંદોબસ્તની તૈયારી તેજ