Get News Alerts

Never miss breaking news updates.

Tiger Shroff ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, હરિયાણામાંથી વધુ 2 આરોપીઓની ધરપકડ

Tiger Shroff: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણામાંથી વધુ 2 આરોપીની ધરપકડ કરી છે, આરોપીઓની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.
Nancy ShuklaUpdated on: 21 Oct 2026 08:49 PM IST
Tiger Shroff ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, હરિયાણામાંથી વધુ 2 આરોપીઓની ધરપકડTiger Shroff ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, હરિયાણામાંથી વધુ 2 આરોપીઓની ધરપકડ

Tiger Shroff

Tiger Shroff: બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓની હરિયાણામાંથી ધરપકડ કરી છે. આ સાથે કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. પોલીસ હવે આ બંને આરોપીઓને વધુ પૂછપરછ અને તપાસ માટે મુંબઈ લાવવાની કાર્યવાહી કરી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીઓને મુંબઈ લાવવા માટે સ્થાનિક અદાલતમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ફાયરિંગના કાવતરામાં આ આરોપીઓની શું ભૂમિકા હતી અને તેમને કોણે મદદ પૂરી પાડી હતી.

સોનીપતમાં પોલીસની કાર્યવાહી

આ કેસની તપાસ માટે મુંબઈ પોલીસની 3 ટીમ હરિયાણાના સોનીપત પહોંચી હતી. અહીં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મળેલા પુરાવા અને સંકેતોના આધારે શંકાસ્પદોની ઓળખ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પહેલાં 19 ઓક્ટોબરે રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદોને પકડવામાં આવ્યા હતા. તેમાં હરિયાણાના સોનીપતના રહેવાસી રેહાન અને ફૂલ સિંહ તેમજ બિહારના બેગુસરાયના ઋતિક કુમાર ઉર્ફે રોશનનો સમાવેશ થાય છે.

18 ઓક્ટોબરે થયો હતો ગોળીબાર

18 ઓક્ટોબરે મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફની કાર પર મોટરસાઈકલ સવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક્ટર સુરક્ષિત રહ્યા હતા, પરંતુ તેમના ડ્રાઈવર ફિરદૌસના ડાબા હાથમાં ગોળી વાગી હતી.

ઘટના બાદ મુંબઈ પોલીસે વિશેષ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ મુંબઈ છોડીને અન્ય રાજ્યોમાં ભાગી ગયા હતા. તેઓ મુંબઈથી સુરત પહોંચ્યા બાદ ટ્રેન મારફતે ઉત્તર ભારત તરફ રવાના થયા હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી હતી.

કાવતરું કોણે ઘડ્યું તેની તપાસ ચાલી રહી છે

વધુ 2 ધરપકડ બાદ પોલીસ તપાસનો વ્યાપ વધ્યો છે. હવે તપાસકર્તાઓ ફાયરિંગ માટે હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા, આરોપીઓને કોણે મદદ કરી અને સમગ્ર નેટવર્ક કોના નિર્દેશ પર કાર્યરત હતું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર કેસની તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો: Tiger Shroff: ટાઈગર શ્રોફ ફાયરિંગની ઘટનાના 2 દિવસ બાદ શૂટિંગ પર પરત ફર્યો?

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.