Tata Steel Q2 Results: ટાટા સ્ટીલના નફામાં 16.2 ટકાનો ઉછાળો, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂપિયા 3,700 કરોડનો નફો

Tata Steel Q2 Results: ટાટા સ્ટીલે સપ્ટેમ્બર ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીના કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 16.2 ટકાનો વધારો નોંધાયો છે.
Kunjan Shukal
Kunjan Shukal
Tata Steel Share Q2 ResultsTata Steel Share Q2 Results

Tata Steel Share Q2 Results

Tata Steel Q2 Results: ટાટા સ્ટીલે સપ્ટેમ્બર ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીના કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 16.2 ટકાનો વધારો નોંધાયો છે. કંપનીએ આ ક્વાર્ટરમાં રૂપિયા 3,700 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂપિયા 3,183 કરોડ રહ્યો હતો. વિશેષ વાત એ છે કે કંપનીનો નફો બજારના નિષ્ણાતોના અંદાજ કરતાં પણ વધારે રહ્યો છે. એનાલિસ્ટ્સે રૂપિયા 3,120 કરોડના નફાની આગાહી કરી હતી.

રેવન્યુમાં 11.5 ટકાનો વધારો

ટાટા સ્ટીલની ઓપરેશન્સમાંથી આવકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 11.5 ટકા વધીને રૂપિયા 65,436 કરોડ થઈ છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂપિયા 58,689 કરોડ હતી. કંપનીનું EBITDA વાર્ષિક ધોરણે 18.4 ટકા વધીને રૂપિયા 10,533 કરોડ થયું છે. જોકે EBITDA માર્જિન 16.1 ટકા રહ્યું છે, જે નિષ્ણાતોના 16.3 ટકાના અંદાજ કરતાં થોડું ઓછું છે.

ભારતીય બિઝનેસનું શાનદાર પ્રદર્શન

કંપનીના કુલ પ્રદર્શનમાં ભારતીય કારોબારનો મોટો ફાળો રહ્યો છે. ભારતમાં કંપનીની આવક રૂપિયા 42,653 કરોડ અને EBITDA રૂપિયા 10,634 કરોડ નોંધાયું છે. ભારતીય કારોબારનું EBITDA માર્જિન 25 ટકા રહ્યું છે. જૂન ક્વાર્ટરની સરખામણીએ ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 7 ટકા વધીને 61.8 લાખ ટન થયું છે. જ્યારે ડિલિવરીમાં 16 ટકાનો વધારો થઈ 59.8 લાખ ટન નોંધાયો છે.

ઓટોમોબાઈલ સેગમેન્ટમાં રેકોર્ડ વેચાણ

ઓટોમોટિવ અને સ્પેશિયલ પ્રોડક્ટ્સ બિઝનેસમાં પણ કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે. આ સેગમેન્ટમાં 11 લાખ ટનનું વેચાણ નોંધાયું છે, જે અત્યાર સુધીના બીજા ક્વાર્ટરનું સૌથી ઊંચું સ્તર છે. બીજી તરફ, નેધરલેન્ડ્સના બિઝનેસે સકારાત્મક પરિણામ આપ્યા છે, જ્યારે બ્રિટનમાં કંપનીને EBITDA સ્તરે 5.6 કરોડ પાઉન્ડનું નુકસાન થયું છે. ટાટા સ્ટીલના CEO ટી.વી. નરેન્દ્રનના જણાવ્યા અનુસાર, બ્રિટનમાં વધુ આયાત અને વધતી ઈન્વેન્ટરીને કારણે પડકારો યથાવત્ છે. હવે કંપનીના પરિણામોની અસર 9 નવેમ્બરે શેરબજારમાં જોવા મળી શકે છે. 6 નવેમ્બરે BSE પર ટાટા સ્ટીલનો શેર 2.2 ટકા વધીને રૂપિયા 186 પર બંધ થયો હતો.

આ પણ વાંચો: Diwali Sales 2026: દિવાળીમાં દેશભરમાં 7 લાખ કરોડના વેપારની આશા, દિલ્હીમાં 1 લાખ કરોડનો આંકડો પાર: CAIT