Share Market : સપ્ટેમ્બરમાં FPIએ ભારતીય માર્કેટમાંથી 45,536 કરોડ રૂપિયાનું કર્યું વેચાણ, લાર્જ-કેપ શેરોના વેલ્યુએશન આકર્ષક બન્યા


Share Market
Share Market : સપ્ટેમ્બરમાં FPIએ ભારતીય માર્કેટમાંથી 45,536 કરોડ રૂપિયાનું કર્યું વેચાણ, લાર્જ-કેપ શેરોના વેલ્યુએશન આકર્ષક બન્યા


Share Market
Share Market : ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીનો દોર સપ્ટેમ્બર 2026માં પણ યથાવત રહ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ સપ્ટેમ્બર મહિનામાં ભારતીય શેરબજારમાંથી કુલ ₹45,536 કરોડના ઈક્વિટી શેર વેચી નાણાં પાછા ખેંચ્યા છે. જોકે, બીજી તરફ પ્રાથમિક બજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ યથાવત જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમણે પ્રાથમિક બજારમાં ₹9,676 કરોડનું રોકાણ કર્યું હતું.
બજાર સતત આઠ સપ્તાહ સુધી ઘટાડા સાથે બંધ થયું
બજાર નિષ્ણાતોના મતે, વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી પાછળ અમેરિકાના 10 વર્ષીય બોન્ડ યીલ્ડમાં વધારો અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ મુખ્ય કારણો છે. અમેરિકન બોન્ડ યીલ્ડ 5.2 ટકા કરતાં ઉપર પહોંચતાં રોકાણકારો ભારતીય બજારની સરખામણીએ અન્ય વિકલ્પો તરફ આકર્ષાયા છે. સાથે જ ક્રૂડ ઓઈલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેવાની આશંકાએ પણ બજાર પર દબાણ વધાર્યું છે. સતત વિદેશી વેચવાલીને કારણે ભારતીય શેરબજાર નબળું પડ્યું છે. બજાર સતત આઠ સપ્તાહ સુધી ઘટાડા સાથે બંધ થયું છે. આ ઉપરાંત ચાલુ વર્ષે સામાન્ય કરતાં 13 ટકા ઓછા વરસાદે પણ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે.
DIIએ બજારને મજબૂત ટેકો આપ્યો
જોકે, તાજેતરના બજાર ઘટાડા બાદ મોટી કંપનીઓ એટલે કે લાર્જ-કેપ શેરોના વેલ્યુએશન હવે આકર્ષક બન્યા છે. જો કે ગુણવત્તાયુક્ત મોટી કંપનીઓમાં લાંબા ગાળાના રોકાણ માટે નવી તકો ઊભી થઈ શકે છે. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ બજારને મજબૂત ટેકો આપ્યો છે. સપ્ટેમ્બર દરમિયાન DIIએ રોકડ ઇક્વિટી બજારમાં ₹76,030 કરોડની ખરીદી કરી હતી. જેના કારણે વિદેશી રોકાણકારોની વેચવાલીની અસર અમુક અંશે ઓછી થઈ છે. હવે બજારની આગામી દિશા નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો પર નિર્ભર રહેશે. કંપનીઓના પરિણામો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થાય છે કે નહીં તેના આધારે બજારમાં રોકાણકારોનો વિશ્વાસ ફરી મજબૂત બની શકે છે.
નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.
આ પણ વાંચો : DA Hike Update: કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2027માં 67% થવાની શક્યતા




