VeraMark Assurance Certification: અદાણી ગ્રુપની કચ્છ કોપરનો વૈશ્વિક સ્તરે ડંકો! વેરામાર્ક સર્ટિફિકેશન મેળવનારી દેશની પ્રથમ તાંબુ ઉત્પાદક કંપની બની


Adani Group VeraMark Assurance Certification
VeraMark Assurance Certification: અદાણી ગ્રુપની કચ્છ કોપરનો વૈશ્વિક સ્તરે ડંકો! વેરામાર્ક સર્ટિફિકેશન મેળવનારી દેશની પ્રથમ તાંબુ ઉત્પાદક કંપની બની


Adani Group VeraMark Assurance Certification
VeraMark Assurance Certification: ગુજરાત અને દેશના ઉદ્યોગજગત માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપની કંપની કચ્છ કોપર લિમિટેડ (KCL)એ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અદાણી એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ (AEL)ની સંપૂર્ણ માલિકીની કચ્છ કોપર દેશની પ્રથમ એવી તાંબુ ઉત્પાદક કંપની બની છે, જેને પ્રતિષ્ઠિત 'વેરામાર્ક એશ્યોરન્સ સર્ટિફિકેશન' પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર અગાઉ 'કોપર માર્ક' તરીકે ઓળખાતું હતું. આ સિદ્ધિથી ભારતીય તાંબા ઉદ્યોગની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બની છે.
મૂલ્યાંકન બાદ કંપનીને આ આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવ્યું
કંપની દ્વારા બુધવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, વેરામાર્ક એશ્યોરન્સ રિસ્પોન્સિબલ પ્રોડક્શન ફ્રેમવર્ક અને જોઈન્ટ ડ્યુ ડિલિજન્સ સ્ટાન્ડર્ડ હેઠળ કચ્છ કોપરની પર્યાવરણ, સામાજિક જવાબદારી અને ગવર્નન્સ (ESG) સંબંધિત કામગીરીનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકન બાદ કંપનીને આ આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ માન્યતા સાથે કચ્છ કોપર હવે વિશ્વની પસંદગીની એવી તાંબુ ઉત્પાદક કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે, જે જવાબદાર અને ટકાઉ ઉત્પાદનના આંતરરાષ્ટ્રીય માપદંડોનું પાલન કરે છે. કચ્છ કોપર વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન કોપર સ્મેલ્ટર્સમાંના એકનું સંચાલન કરે છે.
તાંબાની માગ સતત વધી રહી છે
આ સિદ્ધિ અંગે અદાણી નેચરલ રિસોર્સિસના CEO અને કચ્છ કોપર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિનય પ્રકાશે જણાવ્યું હતું કે, આ પ્રમાણપત્ર ટકાઉ અને જવાબદાર ઉત્પાદન પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. વૈશ્વિક સ્તરે ઈલેક્ટ્રિફિકેશન, રિન્યુએબલ એનર્જી, આધુનિક પરિવહન અને માળખાકીય વિકાસમાં તાંબાની માગ સતત વધી રહી છે. ત્યારે ઉચ્ચ ગુણવત્તાનું તાંબુ ઉપલબ્ધ કરાવવાની સાથે પર્યાવરણ અને સામાજિક જવાબદારીના વૈશ્વિક ધોરણો જાળવવા કંપની પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે વેરામાર્ક ફ્રેમવર્કને વૈશ્વિક માઈનિંગ અને મેટલ ઉદ્યોગમાં માન્યતા પ્રાપ્ત છે. BHP, રિયો ટિન્ટો અને ફ્રીપોર્ટ-મેકમોરન જેવી કંપનીઓ પણ આ માળખું અપનાવી ચૂકી છે. આ પ્રમાણપત્ર માટે કડક થર્ડ પાર્ટી ઓડિટ કરવામાં આવે છે અને સમયાંતરે પુનઃમૂલ્યાંકન પણ થાય છે.




