Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, ઓક્ટોબરમાં રૂપિયા 1.74 લાખ કરોડનો જંગી ઈનફ્લો


Mutual Fund
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, ઓક્ટોબરમાં રૂપિયા 1.74 લાખ કરોડનો જંગી ઈનફ્લો


Mutual Fund
Mutual Fund: ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે ઓક્ટોબર 2026માં શાનદાર વાપસી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં મોટા પ્રમાણમાં આઉટફ્લો નોંધાયા બાદ ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં કુલ રૂપિયા 1,73,839.91 કરોડનો ચોખ્ખો ઈનફ્લો નોંધાયો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી સામે આવી છે. સપ્ટેમ્બર મહિનામાં રૂપિયા 1,33,375.57 કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો હતો. આમ, એક જ મહિનામાં રોકાણકારોના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં 32,993.64 કરોડનું ચોખ્ખું રોકાણ
AMFIના આંકડા મુજબ, ઓક્ટોબરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂપિયા 32,993.64 કરોડનું ચોખ્ખું રોકાણ આવ્યું છે. આ કેટેગરીમાં લાર્જ એન્ડ મિડકેપ ફંડ્સ રૂપિયા 8,484.23 કરોડના ઈનફ્લો સાથે પ્રથમ ક્રમે રહ્યા હતા. જ્યારે સ્મોલકેપ ફંડ્સમાં રૂપિયા 6,407.50 કરોડ અને ફ્લેક્સીકેપ ફંડ્સમાં રૂપિયા 4,979.95 કરોડનું રોકાણ નોંધાયું હતું. આ ઉપરાંત મિડકેપ ફંડ્સમાં રૂપિયા 4,892.62 કરોડ, મલ્ટીકેપ ફંડ્સમાં રૂપિયા 2,977.86 કરોડ અને લાર્જકેપ ફંડ્સમાં રૂપિયા 1,032.39 કરોડનો ઈનફ્લો રહ્યો હતો.
ETFમાં પણ રોકાણ વધ્યું
બીજી તરફ, ઓક્ટોબરમાં ઈન્ડેક્સ ફંડ્સમાં રૂપિયા 3,090.51 કરોડનું રોકાણ આવ્યું હતું. જ્યારે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં કુલ રૂપિયા 20,303.98 કરોડનો ચોખ્ખો ઈનફ્લો નોંધાયો હતો. તેમાં ઈક્વિટી ETFમાં રૂપિયા 12,973.78 કરોડ અને ગોલ્ડ ETFમાં રૂપિયા 3,474.03 કરોડનું રોકાણ આવ્યું હતું. સિલ્વર ETFમાં પણ રૂપિયા 3,092.22 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો.
જોકે, વિદેશી બજારોમાં રોકાણ કરતા ફંડ્સમાંથી રૂપિયા 370.11 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. આ દરમિયાન ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 30 ઓક્ટોબર, 2026ના રોજ વધીને રૂપિયા 83.38 લાખ કરોડ થઈ હતી. સપ્ટેમ્બરના અંતે આ આંકડો રૂપિયા 82.64 લાખ કરોડ હતો. આ આંકડા ભારતીય મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં રોકાણકારોની વધતી ભાગીદારી દર્શાવે છે.
નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.
આ પણ વાંચો: Rupee Strength: ડોલર સામે રૂપિયો મજબૂત થઈને 93.68 ના સ્તરે પહોંચ્યો




