Get News Alerts

Never miss breaking news updates.

HDFC બેન્કની કમાન હવે અનૂપ બાગચીના હાથમાં, 27 ઓક્ટોબરથી સંભાળશે જવાબદારી

HDFC Bank : દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC બેન્કમાં મહત્વપૂર્ણ નેતૃત્વ પરિવર્તનની જાહેરાત કરવામાં આવી છે. બેન્કે અનૂપ બાગચીની MD અને CEO તરીકે નિમણૂક કરી છે.
Kunjan ShuklaUpdated on: 01 Oct 2026 09:49 PM IST
HDFC બેન્કની કમાન હવે અનૂપ બાગચીના હાથમાં, 27 ઓક્ટોબરથી સંભાળશે જવાબદારીHDFC બેન્કની કમાન હવે અનૂપ બાગચીના હાથમાં, 27 ઓક્ટોબરથી સંભાળશે જવાબદારી

HDFC Bank

HDFC Bank : દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC બેન્કમાં મહત્વપૂર્ણ નેતૃત્વ પરિવર્તનની જાહેરાત કરવામાં આવી છે. બેન્કે અનૂપ બાગચીની આગામી મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂકને ભારતીય રિઝર્વ બેન્ક (RBI) તરફથી મંજૂરી મળી ગઈ છે. અનૂપ બાગચી 27 ઓક્ટોબર 2026થી ત્રણ વર્ષ માટે આ નવી જવાબદારી સંભાળશે.

બાગચી CEO શશિધર જગદીશનની જગ્યા લેશે

હાલમાં અનૂપ બાગચી ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઈન્શ્યોરન્સના MD અને CEO તરીકે કાર્યરત છે. તેઓ HDFC બેન્કના વર્તમાન MD અને CEO શશિધર જગદીશનની જગ્યા લેશે. શશિધર જગદીશનનો કાર્યકાળ 26 ઓક્ટોબર 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. તેમણે આગામી કાર્યકાળ માટે પુનઃનિયુક્તિ નહીં મેળવવાનો નિર્ણય લીધો હતો. બેન્કે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે 1 ઓક્ટોબરે યોજાયેલી બોર્ડ બેઠકમાં ગવર્નન્સ, નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીની ભલામણના આધારે અનૂપ બાગચીની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, 2 ઓક્ટોબર 2026થી તેમને બેન્કના એડિશનલ ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત કરવામાં આવશે. જોકે, આ નિમણૂક માટે શેરધારકોની મંજૂરી જરૂરી રહેશે.

ત્રણ વર્ષ સુધી બેન્કનું નેતૃત્વ કરશે

RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35B હેઠળ તેમની નિમણૂક અને મહેનતાણાને મંજૂરી આપી છે. નવા MD અને CEO તરીકે તેઓ ત્રણ વર્ષ સુધી બેન્કનું નેતૃત્વ કરશે. ઉલ્લેખનીય છે કે, આ પદ માટે બેન્કે અગાઉ RBI સમક્ષ અનૂપ બાગચી અને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ ભરુચાનાં નામ મોકલ્યા હતા. આ દરમિયાન કોટક મહિન્દ્રા બેન્કે પણ અનૂપ કુમાર સાહાની નવા MD અને CEO તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. નિમણૂકની જાહેરાત પહેલાં NSE પર HDFC બેન્કનો શેર 1.76 ટકા વધીને રૂ.721.20 પર બંધ થયો હતો. આમ, બેન્કમાં નવા નેતૃત્વ સાથે આગામી ત્રણ વર્ષનો નવો તબક્કો શરૂ થશે.

આ પણ વાંચો : Stock Market Crash : શેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 1,000થી વધુ પોઈન્ટ તૂટ્યો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.