HAL Q2 Results 2026: સરકારી ડિફેન્સ કંપનીને રૂપિયા 1,839 કરોડનો થયો નફો, શેરમાં 4 ટકાનો આવ્યો કડાકો

HAL Q2 Results 2026: સરકારી સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના શેરમાં ગુરુવાર, 12 નવેમ્બરના રોજ ઘટાડો નોંધાયો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
Business HAL Q2 Results 2026Business HAL Q2 Results 2026

Business HAL Q2 Results 2026

HAL Q2 Results 2026: સરકારી સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના શેરમાં ગુરુવાર, 12 નવેમ્બરના રોજ ઘટાડો નોંધાયો હતો. કંપનીના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ શેરમાં ઈન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન 4 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, દિવસના નીચલા સ્તરેથી શેરમાં થોડી રિકવરી પણ જોવા મળી હતી. કંપનીની આવક અને નફામાં વધારો થયો હોવા છતાં ઓપરેટિંગ પર્ફોર્મન્સ બજારની અપેક્ષા કરતાં નબળું રહ્યું હતું.

આવક અને નફામાં વધારો

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં HALની આવક વાર્ષિક ધોરણે 15 ટકા વધીને રૂપિયા 7,613 કરોડ થઈ છે. બજારના રૂપિયા 7,463 કરોડના અંદાજ કરતાં પણ આ આંકડો વધારે રહ્યો હતો. બીજી તરફ, કંપનીનો નેટ પ્રોફિટ 10.6 ટકા વધીને રૂપિયા 1,839 કરોડ નોંધાયો હતો. બજારનો અંદાજ રૂપિયા 1,819 કરોડનો હતો. જોકે, કંપનીના ઓપરેટિંગ માર્જિનમાં દબાણ જોવા મળ્યું હતું. ગ્રોસ માર્જિન 3 ટકા ઘટીને 53 ટકા રહ્યું હતું. જ્યારે EBITDA 11.6 ટકા વધીને રૂપિયા 1,738 કરોડ નોંધાયું હતું. બજારનો અંદાજ રૂપિયા 1,855 કરોડનો હતો. EBITDA માર્જિન પણ ગત વર્ષના 23.5 ટકાની સરખામણીએ ઘટીને 22.8 ટકા થયું હતું.

5 વર્ષમાં કંપનીએ 586 ટકાનું રિટર્ન આપ્યું

સપ્ટેમ્બર 2026 દરમિયાન HALએ બે તેજસ FOC ટ્રેનર, ત્રણ HTT-40 ટ્રેનર અને ચાર ધ્રુવ NG હેલિકોપ્ટરની ડિલિવરી કરી હતી. આ ડિલિવરીથી કંપનીની આવક વધારવામાં મદદ મળી હતી. નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં કંપનીની આવકમાં 15 ટકાનો વધારો થયો છે, જે કંપનીના વાર્ષિક 10.5થી 12 ટકાના ગ્રોથ અંદાજ કરતાં વધારે છે. આગામી સમયમાં તેજસ Mk1A, HTT-40ની ડિલિવરી અને જનરલ ઈલેક્ટ્રિક તરફથી એન્જિન સપ્લાય પર રોકાણકારોની નજર રહેશે. અહેવાલ મુજબ, પરિણામો બાદ HALનો શેર 1.66 ટકા ઘટીને રૂપિયા 4,867 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધી શેરમાં આશરે 10 ટકાનો વધારો થયો છે, જ્યારે પાંચ વર્ષમાં તેણે આશરે 586 ટકાનું રિટર્ન આપ્યું છે.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો: RIL Investment: આંધ્રપ્રદેશમાં રૂપિયા 43,000 કરોડનું રોકાણ કરશે રિલાયન્સ, 40,000 લોકોને મળશે રોજગારી