GST Collection : સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શનમાં આવ્યો રેકોર્ડ ઉછાળો, સરકારી તિજોરીમાં જમા થયા ₹2.03 લાખ કરોડ



GST Collection
GST Collection : સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શનમાં આવ્યો રેકોર્ડ ઉછાળો, સરકારી તિજોરીમાં જમા થયા ₹2.03 લાખ કરોડ



GST Collection
GST Collection : 1 ઓક્ટોબર 2026ના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં દેશનું કુલ ગ્રોસ GST કલેક્શન 2.03 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં આ વખતે GST કલેક્શનમાં 14.7 ટકાનો વધારો નોંધાયો છે.
ઓક્ટોબરની શરૂઆતમાં GSTના આંકડા જાહેર
ખાસ વાત એ છે કે, સતત ત્રીજા મહિને દેશનું GST કલેક્શન 2 લાખ કરોડ રૂપિયાને પાર રહ્યું છે. આ પહેલાં જુલાઈ 2026માં ગ્રોસ GST કલેક્શન વાર્ષિક ધોરણે 15.4 ટકાના વધારા સાથે 2.11 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં પણ GST કલેક્શન લગભગ 2 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. હવે સપ્ટેમ્બરના આંકડાઓએ પણ આ વૃદ્ધિનો સિલસિલો જાળવી રાખ્યો છે.
સરકારી આંકડા મુજબ, સપ્ટેમ્બર 2025માં દેશનું કુલ GST કલેક્શન 1.77 લાખ કરોડ રૂપિયા હતું. તેની સામે સપ્ટેમ્બર 2026માં આ આંકડો વધીને 2.03 લાખ કરોડ રૂપિયા થયો છે. સપ્ટેમ્બર મહિનામાં આયાતમાંથી મળતી ગ્રોસ GST આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં આયાત આધારિત GST આવકમાં 25.9 ટકાનો ઉછાળો નોંધાયો છે અને તે વધીને 65,525 કરોડ રૂપિયા થઈ છે. ગયા વર્ષે આ આવક 52,031 કરોડ રૂપિયા હતી. જ્યારે કસ્ટમ ડ્યુટી સંબંધિત GST આવકમાં 30.8 ટકાનો વધારો નોંધાઈને 52,028 કરોડ રૂપિયા થયો છે.
સપ્ટેમ્બરમાં GST કલેક્શનનો રેકોર્ડ ઉછાળો
બીજી તરફ, સ્થાનિક સ્તરે મળતી ગ્રોસ GST આવકમાં 10.1 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર 2026માં સ્થાનિક GST આવક 1.38 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે, જ્યારે સપ્ટેમ્બર 2025માં આ આંકડો 1.25 લાખ કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનાના આંકડા પણ જાહેર થયા છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન કુલ ગ્રોસ GST કલેક્શન 12.46 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો 11.17 લાખ કરોડ રૂપિયા હતો. એટલે કે વાર્ષિક ધોરણે કુલ કલેક્શનમાં 11.6 ટકાનો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન આયાત આધારિત GST આવક 27.1 ટકા વધીને 3.72 લાખ કરોડ રૂપિયા થઈ છે, જ્યારે સ્થાનિક GST આવક 6.1 ટકા વધીને 8.74 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં 1 જુલાઈ 2017થી GST વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. તેનો હેતુ વિવિધ પરોક્ષ કરને એકીકૃત કરીને કરપ્રણાલીને સરળ બનાવવાનો હતો. સપ્ટેમ્બર મહિનાના આંકડા દેશની કર આવકમાં નોંધાયેલી વૃદ્ધિ દર્શાવે છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




