Air India Express CEO: એર ઈન્ડિયા એક્સપ્રેસના નવા CEO તરીકે દીપક રાજાવતની નિમણૂક, 1 ડિસેમ્બરથી સંભાળશે પદ


Air India Express New CEO
Air India Express CEO: એર ઈન્ડિયા એક્સપ્રેસના નવા CEO તરીકે દીપક રાજાવતની નિમણૂક, 1 ડિસેમ્બરથી સંભાળશે પદ


Air India Express New CEO
Air India Express CEO: ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસે દીપક રાજાવતને નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 1 ડિસેમ્બર, 2026થી આ જવાબદારી સંભાળશે. હાલમાં તેઓ એરલાઈનમાં ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે કાર્યરત છે. બુધવારે એરલાઈનના બોર્ડ દ્વારા તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી.
એવિએશન અને ફાઈનાન્સ ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ
દીપક રાજાવતને એવિએશન અને ફાઈનાન્સ ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસમાં જોડાતા પહેલાં તેઓ વિસ્તારા એરલાઈન સાથે સંકળાયેલા હતા. વિસ્તારા શરૂ થઈ ત્યારથી તેઓ કંપનીનો ભાગ રહ્યા હતા અને કોર્પોરેટ પ્લાનિંગ, એરક્રાફ્ટ ખરીદી તથા નાણાકીય કામગીરી જેવા મહત્વના વિભાગોમાં કામ કર્યું હતું. બાદમાં તેમને વિસ્તારા ખાતે ચીફ કોમર્શિયલ ઓફિસર (CCO)ની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.
કંપનીની આવક અને વિસ્તરણમાં મહત્વની ભૂમિકા
વિસ્તારા ખાતે રાજાવતે આવક વધારવા, નવા રૂટનું આયોજન, ટિકિટ વેચાણ, માર્કેટિંગ અને ગ્રાહક સેવાઓ સુધારવા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન વિસ્તારા સ્થાનિક બજારમાં હિસ્સાની દૃષ્ટિએ દેશની બીજી સૌથી મોટી એરલાઈન બની હતી. ઉપરાંત, સ્કાયટ્રેક્સની વિશ્વની ટોચની 20 એરલાઇન્સની યાદીમાં પણ સ્થાન મેળવ્યું હતું.
એર ઈન્ડિયા એક્સપ્રેસના CFO તરીકે તેમણે નાણાકીય કામગીરી ઉપરાંત એરલાઇનના વિસ્તરણ અને એર ઈન્ડિયા ગ્રુપમાં એકીકરણની પ્રક્રિયામાં પણ ભૂમિકા ભજવી હતી. ચેરમેન નિપુણ અગ્રવાલે તેમના નાણાકીય જ્ઞાન અને વ્યવસાયિક અનુભવની પ્રશંસા કરી હતી.
100થી વધુ વિમાનો સાથે એરલાઇનનું વિસ્તૃત નેટવર્ક
અગાઉ CEO આલોક સિંહે 19 માર્ચ, 2026ના રોજ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ પદ છોડ્યું હતું. તેમના કાર્યકાળમાં એરલાઇનનું ખાનગીકરણ, એરએશિયા ઈન્ડિયા સાથે વિલીનીકરણ અને વિમાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. 2020માં 26 વિમાનો ધરાવતી એરલાઇન હવે 108 વિમાનોના કાફલા સાથે દરરોજ આશરે 585 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. તેનું નેટવર્ક 48 સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય શહેરો સુધી વિસ્તરેલું છે.




