Business News: અદાણી ગ્રુપે કોપરના વેપાર માટે ચિલીની કંપની સાથે કરી મોટી ડીલ, મુન્દ્રા પ્લાન્ટને મળશે ફાયદો


Business News
Business News: અદાણી ગ્રુપે કોપરના વેપાર માટે ચિલીની કંપની સાથે કરી મોટી ડીલ, મુન્દ્રા પ્લાન્ટને મળશે ફાયદો


Business News
Business News: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે તાંબાના કારોબારમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગ્રુપની કંપની કચ્છ કોપર લિમિટેડે ચિલીની સરકારી કોપર કંપની કોડેલ્કો (Codelco) સાથે મહત્વપૂર્ણ કરાર કર્યો છે. આ કરાર હેઠળ બંને કંપનીઓ ચિલીના એન્ટોફાગાસ્ટા વિસ્તારમાં આવેલા કાબુર્કાલા કોપર પ્રોજેક્ટમાં તાંબાના ભંડારની શોધ અને વિકાસની શક્યતાઓ ચકાસશે. આ ભાગીદારીનો મુખ્ય હેતુ ભવિષ્યમાં ભારતમાં તાંબાના કાચા માલનો પુરવઠો સુરક્ષિત કરવાનો છે. તેનો સીધો ફાયદો ગુજરાતના મુન્દ્રા સ્થિત અદાણીના કોપર પ્લાન્ટને મળી શકે છે.
ચિલીની ખાણથી મુન્દ્રા સુધી પહોંચશે તાંબું?
આ કરાર હેઠળ અદાણી ગ્રુપ પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડશે, જ્યારે કોડેલ્કો તાંબાના ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્રીય સંશોધનનો અનુભવ પૂરો પાડશે. જોકે, હાલમાં આ માત્ર ખનિજ ભંડારની શોધ માટેનો કરાર છે. જો પૂરતા પ્રમાણમાં તાંબાનો ભંડાર મળી આવશે અને ખાણકામ વ્યાવસાયિક રીતે ફાયદાકારક સાબિત થશે તો ભવિષ્યમાં અહીંથી મુન્દ્રા પ્લાન્ટ માટે તાંબાનો પુરવઠો થઈ શકે છે. ગુજરાતના મુન્દ્રામાં અદાણી ગ્રુપનો કોપર સ્મેલ્ટિંગ અને રિફાઈનિંગ પ્લાન્ટ કાર્યરત છે. તેની પ્રારંભિક વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 5 લાખ ટન છે, જેને વધારીને 10 લાખ ટન કરવાની યોજના છે. આ પ્રોજેક્ટમાં ગ્રુપ આશરે 1.2 અબજ ડોલર એટલે કે રૂપિયા 10,000 કરોડનું રોકાણ કરી ચૂક્યું છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્લાન્ટની ક્ષમતાનો ઉપયોગ આશરે 64 ટકા રહ્યો હતો. કંપનીનો લક્ષ્યાંક માર્ચ 2027 સુધીમાં તેને વધારીને 80થી 85 ટકા કરવાનો છે.
તાંબાની વધતી માગ પર અદાણીની નજર
ઈલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ, વિન્ડ એનર્જી, ડેટા સેન્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તાંબાની માગ વધી રહી છે. ભારતને સ્થાનિક જરૂરિયાત માટે વિદેશમાંથી પણ કોપર કન્સન્ટ્રેટ મગાવવું પડે છે. ચિલી વિશ્વના અગ્રણી તાંબા ઉત્પાદક દેશોમાં સામેલ હોવાથી આ ભાગીદારી અદાણી ગ્રુપ માટે વ્યૂહાત્મક બની શકે છે. જો પ્રોજેક્ટ સફળ થાય તો મુન્દ્રા પ્લાન્ટ માટે કાચા માલની ઉપલબ્ધતા વધારવામાં મદદ મળી શકે છે.




