Business: અદાણી ગ્રીન એનર્જીના ઊર્જા વેચાણમાં 32%નો ઉછાળો, પ્રથમ છમાસિક ગાળામાં EBITDA વધ્યો


Business
Business: અદાણી ગ્રીન એનર્જીના ઊર્જા વેચાણમાં 32%નો ઉછાળો, પ્રથમ છમાસિક ગાળામાં EBITDA વધ્યો


Business
Business: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ માસિક ગાળામાં શાનદાર નાણાકીય પ્રદર્શન કર્યું છે. કંપનીનો EBITDA વાર્ષિક ધોરણે 41 ટકા વધીને 7,957 કરોડ રૂપિયા થયો છે, જ્યારે ઊર્જાનું વેચાણ 32 ટકા વધીને 25.75 અબજ યુનિટ પર પહોંચ્યું છે.
કંપનીએ બુધવારે જાહેર કરેલા પરિણામો અનુસાર પ્રથમ છ માસિક ગાળામાં વીજળીના વેચાણથી થતી આવક 36 ટકા વધીને 8,299 કરોડ રૂપિયા થઈ છે. આ સમયગાળા દરમિયાન EBITDA માર્જિન 92.9 ટકા નોંધાયું હતું. જ્યારે રોકડ નફો 35 ટકા વધીને 4,176 કરોડ રૂપિયા થયો છે.
કંપનીએ આ સમયગાળા દરમિયાન 17,160 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 38 ટકા વધુ છે. કંપનીનો નેટ ડેટ અને રન-રેટ EBITDAનો ગુણોત્તર 5.6 ગણો રહ્યો હતો.
ખાવડામાં બેટરી સ્ટોરેજ ક્ષમતાનો વિસ્તાર
કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના કાર્યક્ષમ અમલીકરણ, નવી ટેક્નોલોજીના ઉપયોગ અને કામગીરીમાં સુધારાને કારણે ઊર્જા ઉત્પાદન તથા નાણાકીય પરિણામોમાં વૃદ્ધિ થઈ છે.
તેમને જણાવ્યું કે ગુજરાતના ખાવડામાં કંપનીની કાર્યરત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)ની ક્ષમતા વધારીને 6.63 ગીગાવોટ કલાક કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, એક જ સ્થળે સ્થાપિત બેટરી સ્ટોરેજની દૃષ્ટિએ આ વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. આ સાથે અદાણી ગ્રીન એનર્જી ભારતની સૌથી મોટી BESS ઓપરેટર બની છે.
બીજા ત્રિમાસિક ગાળામાં પણ વૃદ્ધિ
નાણાકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનું ઊર્જા વેચાણ 33 ટકા વધીને 12,090 મિલિયન યુનિટ થયું હતું. વીજળીના વેચાણથી થતી આવક 45 ટકા વધીને 4,019 કરોડ રૂપિયા થઈ હતી, જ્યારે વીજ પુરવઠામાંથી EBITDA 51 ટકા વધીને 3,835 કરોડ રૂપિયા નોંધાયું હતું. ત્રિમાસિક રોકડ નફો પણ 45 ટકા વધીને 1,951 કરોડ રૂપિયા થયો હતો. કંપની હવે બેટરી સ્ટોરેજ ક્ષમતા વધારવા ઉપરાંત ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ પણ વાંચો: Share Market Crash: દશેરા પહેલા શેરમાર્કેટમાં આવ્યો મોટો કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ ગગડ્યો





