Tulsi Vivah 2026: તુલસી વિવાહમાં આ વસ્તુઓનું રાખો ધ્યાન, પૂજાની સંપૂર્ણ સામગ્રી વિશે જાણો

Tulsi Vivah 2026: 21 નવેમ્બરે તુલસી વિવાહ ઉજવાશે. જાણો મંડપ સજાવવાની સામગ્રી, પૂજાની સંપૂર્ણ યાદી, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ.
Nancy Shukal
Nancy Shukal
Tulsi Vivah 2026: તુલસી વિવાહમાં પૂજા સામગ્રી અને શુભ મુહૂર્તTulsi Vivah 2026: તુલસી વિવાહમાં પૂજા સામગ્રી અને શુભ મુહૂર્ત

Tulsi Vivah 2026: તુલસી વિવાહમાં પૂજા સામગ્રી અને શુભ મુહૂર્ત

Tulsi Vivah 2026: હિંદુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ તુલસી વિવાહનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે માતા તુલસીના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસી વિવાહની વિધિ સામાન્ય રીતે દીકરીના લગ્નની જેમ જ કરવામાં આવે છે.

માન્યતા છે કે તુલસી વિવાહ કરાવવાથી કન્યાદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે અને દાંપત્ય જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ વર્ષે 21 નવેમ્બર, 2026ના રોજ તુલસી વિવાહ ઉજવવામાં આવશે. જો તમે પણ ઘરે તુલસી વિવાહનું આયોજન કરી રહ્યા હોવ તો પૂજાની સંપૂર્ણ સામગ્રીની યાદી જાણી લો.

તુલસી વિવાહનો મંડપ સજાવવા માટેની સામગ્રી

તુલસી વિવાહમાં મંડપનું વિશેષ મહત્ત્વ હોય છે. તેને શણગારવા માટે નીચેની વસ્તુઓની જરૂર પડશે.

  • કુંડા સહિત તુલસીનો છોડ

  • ભગવાન શાલિગ્રામ અથવા વિષ્ણુજીની તસવીર કે મૂર્તિ

  • 4થી 5 શેરડી

  • કેળાનાં પાન

  • આંબાનાં પાનનું તોરણ

  • ગલગોટા અને અન્ય ફૂલોની માળા

  • લાકડાની બે ચોકી

  • લાલ અથવા પીળું કપડું

  • રંગોળી માટે લોટ, હળદર, કંકુ અને રંગોળીના રંગો

માતા તુલસીના શણગાર માટેની વસ્તુઓ

તુલસી માતાને કન્યાની જેમ શણગારવામાં આવે છે. આ માટે નવી સાડી, લાલ ચૂંદડી, સિંદૂર, કંકુ, બિંદી, બંગડીઓ, મહેંદી, કાજળ, નાનો અરીસો, કાંસકો, વિંછીયા, પાયલ અને અન્ય ઘરેણાં રાખવા જોઈએ.

ભગવાન શાલિગ્રામની પૂજા માટેની સામગ્રી

ભગવાન શાલિગ્રામના શણગાર અને પૂજા માટે પીળાં વસ્ત્રો, પીળું ચંદન, અત્તર, જનોઈ, બે ફૂલોની માળા, પીળું અથવા લાલ કપડું, સિક્કો અને આખી હળદરની ગાંઠ રાખવી જોઈએ.

તુલસી વિવાહની સંપૂર્ણ પૂજા સામગ્રી

પૂજા દરમિયાન શેરડી, આમળાં, શક્કરિયાં, મૂળા, તુલસીનાં પાન, નારિયેળ, ગંગાજળ, શુદ્ધ પાણી, રૂની વાટ, અગરબત્તી, પાન, સોપારી, લવિંગ, માટી અથવા તાંબાનો કળશ, જટાવાળું નારિયેળ, પાંચ કે સાત આંબાનાં પાન, પંચામૃત, નાડાછડી, ફળ, બોર, ધૂપ, દીવો, ઘી, સીતાફળ, મીઠાઈ, પતાસાં, દક્ષિણા, પૂજાના સિક્કા અને હવન સામગ્રી રાખવી જરૂરી છે.

તુલસી વિવાહ 2026નો શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 21 નવેમ્બર 2026ના રોજ સવારે 6:31 વાગ્યે શરૂ થશે અને 22 નવેમ્બરના રોજ સવારે 4:56 વાગ્યે પૂર્ણ થશે.

તુલસી વિવાહની તારીખ: 21 નવેમ્બર, 2026

મુહૂર્ત: સાંજે 5:25થી 5:52 વાગ્યા સુધી

ધાર્મિક માન્યતા અનુસાર, તુલસી વિવાહ માટે ગોધૂળી મુહૂર્ત સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

તુલસી વિવાહનું ધાર્મિક મહત્ત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા તુલસી અને ભગવાન શાલિગ્રામનાં લગ્ન કરાવવાથી કન્યાદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જે પરિવારમાં દીકરી નથી, તેઓ તુલસી વિવાહ કરાવીને કન્યાદાનનું પુણ્ય મેળવી શકે છે. આ ઉપરાંત વિધિ-વિધાનથી તુલસી વિવાહ કરાવવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેમજ લગ્નજીવનમાં આવતી અડચણો દૂર થાય છે તેવી માન્યતા છે. પરંપરા મુજબ, તુલસી વિવાહ પૂર્ણ થયા બાદ તુલસીનો છોડ અને શાલિગ્રામ ભગવાનને સુપાત્ર બ્રાહ્મણને દાન કરવામાં આવે છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Khatu Shyam Jayanti 2026: 20 કે 21 નવેમ્બર, જાણો સાચી તારીખ અને ઘરે પૂજા કરવાની વિધિ