Bhai Beej 2026: યમરાજ અને યમુનાની પૂજા શા માટે થાય છે? જાણો ભાઈ-બહેનના પ્રેમ સાથે જોડાયેલી પૌરાણિક કથા અને તેનું ધાર્મિક મહત્ત્વ


Bhai Beej Yam Dwitiya brother and sister celebration ભાઈબીજ ઉત્સવ
Bhai Beej 2026: યમરાજ અને યમુનાની પૂજા શા માટે થાય છે? જાણો ભાઈ-બહેનના પ્રેમ સાથે જોડાયેલી પૌરાણિક કથા અને તેનું ધાર્મિક મહત્ત્વ


Bhai Beej Yam Dwitiya brother and sister celebration ભાઈબીજ ઉત્સવ
Bhai Beej 2026: ભારતીય સંસ્કૃતિમાં ભાઈબીજનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. દિવાળીના પર્વ બાદ કારતક મહિનાના સુદ પક્ષની બીજના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં ભાઈબીજ 10 નવેમ્બરના રોજ ઉજવવામાં આવી રહી છે. આ પર્વને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ સાથે મૃત્યુના દેવતા યમરાજ અને તેમની બહેન યમુનાની એક પ્રચલિત પૌરાણિક કથા જોડાયેલી છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે બહેન પોતાના ભાઈના કપાળે તિલક કરીને તેના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના કરે છે. તો ચાલો જાણીએ ભાઈબીજની પૌરાણિક કથા અને આ તહેવારનું વિશેષ મહત્ત્વ.
યમરાજ અને યમુનાની પૌરાણિક કથા
પૌરાણિક કથાઓ અનુસાર, સૂર્યદેવનાં સંતાનો યમરાજ અને યમુના વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. યમુના હંમેશાં પોતાના ભાઈ યમરાજને ઘરે ભોજન માટે આમંત્રણ આપતી હતી, પરંતુ પોતાના કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે યમરાજ બહેનના ઘરે જઈ શકતા નહોતા. એક દિવસ કારતક સુદ બીજના પવિત્ર દિવસે યમરાજ અચાનક પોતાની બહેન યમુનાના ઘરે પહોંચ્યા હતા. ભાઈને જોઈને યમુના ખૂબ પ્રસન્ન થઈ હતી અને તેમનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું.
બહેને ભાઈને તિલક કરીને કરેલી લાંબા આયુષ્યની કામના
યમુનાએ પોતાના ભાઈ માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું હતું. ત્યારબાદ તેમના કપાળે તિલક કરીને લાંબા આયુષ્ય અને સુખી જીવનની પ્રાર્થના કરી હતી. બહેનનો આ પ્રેમ અને આતિથ્ય જોઈને યમરાજ ખૂબ પ્રસન્ન થયા હતા. તેમણે યમુનાને પોતાની ઇચ્છા મુજબ વરદાન માગવા કહ્યું હતું.
યમરાજે બહેનને આપ્યું ખાસ વરદાન
ધાર્મિક માન્યતા અનુસાર, યમુનાએ યમરાજ પાસે વરદાન માગ્યું કે દર વર્ષે કારતક સુદ બીજના દિવસે તેઓ તેમના ઘરે આવે અને જે બહેન આ દિવસે પોતાના ભાઈને તિલક કરીને તેના સુખી જીવનની પ્રાર્થના કરે, તેના ભાઈને યમરાજના ભયથી રક્ષણ મળે. યમરાજે બહેનની આ વિનંતી સ્વીકારી હતી. ત્યારથી આ દિવસ ભાઈ-બહેનના પ્રેમના પર્વ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
ભાઈબીજને યમ દ્વિતીયા કેમ કહેવાય છે?
આ પર્વની કથા યમરાજ અને યમુના સાથે જોડાયેલી હોવાથી તેને યમ દ્વિતીયા નામ આપવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે બહેનના હાથે તિલક કરાવવાથી ભાઈને સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યના આશીર્વાદ મળે છે. આ દિવસે યમરાજ અને યમુનાનું સ્મરણ કરવાની પણ પરંપરા છે.
ભાઈબીજ પર તિલક અને ભેટનું વિશેષ મહત્ત્વ
ભાઈબીજના દિવસે બહેનો વહેલી સવારે સ્નાન કરીને પૂજાની તૈયારી કરે છે. ત્યારબાદ ભાઈને તિલક કરીને આરતી ઉતારે છે અને તેના સુખી જીવનની કામના કરે છે. ભાઈ પણ બહેનને ભેટ આપીને જીવનભર સાથ અને રક્ષણ આપવાનો ભાવ વ્યક્ત કરે છે. આમ, ભાઈબીજ માત્ર ધાર્મિક તહેવાર નથી, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને લાગણીના બંધનને વધુ મજબૂત બનાવતો પર્વ છે.
આ પણ વાંચો: Assam Train Accident: ગુવાહાટી નજીક કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા




