Get News Alerts

Never miss breaking news updates.

NEET-UG રિ-એગ્ઝામ માટે નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબી સેન્ટર ફાળવાતા વિવાદ

NEET-UG રિ-એગ્ઝામ પહેલા એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીએ પરીક્ષા કેન્દ્ર માટે નાગપુર, વર્ધા અને ભંડારાની પસંદગી કરી હોવા છતાં તેને UAEના અબુ ધાબીમાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. આ મામલે વિદ્યાર્થીના પિતાએ પરીક્ષા એજન્સીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. આખરે કેવી રીતે ભારતના બદલે અબુ ધાબી કેન્દ્ર ફાળવાયું, તે અંગે હવે ચર્ચા તેજ બની છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 20 Jun 2026 11:49 AM IST
NEET-UG રિ-એગ્ઝામ માટે નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબી સેન્ટર ફાળવાતા વિવાદNEET-UG રિ-એગ્ઝામ માટે નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબી સેન્ટર ફાળવાતા વિવાદ

ફાઈલ ફોટો

નાગપુર, મહારાષ્ટ્ર: NEET-UG રિ-એગ્ઝામને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. નાગપુરના NEET ઉમેદવાર અબ્દુલ્લા મોહમ્મદ તાલિબને 21 જૂને યોજાનારી પુનઃ પરીક્ષા માટે ભારતના બદલે UAEના અબુ ધાબીમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે.

વિદ્યાર્થીના પિતા મોહમ્મદ તાલિબે જણાવ્યું કે પરીક્ષા કેન્દ્ર માટે તેમણે નાગપુર, વર્ધા અને ભંડારા જિલ્લાઓને પ્રાથમિકતા આપી હતી. તેમ છતાં તેમના પુત્રને અચાનક અબુ ધાબીનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે, જેને લઈને પરિવાર આશ્ચર્યમાં મુકાયો છે.

મોહમ્મદ તાલિબે જણાવ્યું કે, "આ કેવી રીતે થયું તેની અમને કોઈ જાણ નથી. આ અંગે માત્ર પરીક્ષા સંચાલક એજન્સી જ જવાબ આપી શકે. અમે ભંડારા, નાગપુર અને વર્ધાને પસંદગી તરીકે દર્શાવ્યા હતા. ત્યારબાદ પણ અબુ ધાબી કેન્દ્ર કેમ ફાળવાયું તે સમજાતું નથી. એવું લાગે છે કે અમારા પુત્રને પરીક્ષા આપવાથી વંચિત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય."

આ ઘટનાને લઈને પરીક્ષા વ્યવસ્થાપન અને કેન્દ્ર ફાળવણી પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે. પરિવાર દ્વારા સંબંધિત સત્તાધીશોને રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.

હાલ સુધી આ મામલે પરીક્ષા આયોજક એજન્સી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. જો કે, આ ઘટના NEET-UG રિ-એગ્ઝામની વ્યવસ્થા અને પારદર્શિતાને લઈને ચર્ચાનો વિષય બની છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.