PM મોદીની આશા ભોસલેને શ્રદ્ધાંજલિ, લખ્યું - તેમના ગીતો હંમેશા ગૂંજતા રહેશે



PM મોદીની આશા ભોસલેને શ્રદ્ધાંજલિ, લખ્યું - તેમના ગીતો હંમેશા ગૂંજતા રહેશે



Narendra Modi Tweet for Asha Bhosle: દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું છે. ત્યારે ફિલ્મ, રમતગમત અને રાજકીય જગતની હસ્તીઓ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી રહી છે અને શોક વ્યક્ત કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા ભોંસલેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને ગાયિકાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
પીએમ મોદીએ કહ્યું- 'તેમના ગીતો હંમેશા ગૂંજતા રહેશે'
પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, આશા ભોંસલે ભારતના સૌથી આદરણીય અને બહુમુખી અવાજોમાંના એક હતા, જેમની સંગીત યાત્રાએ દાયકાઓ સુધી ભારતીય સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, તેમના ભાવનાત્મક ગીતો અને જીવંત સંગીતે વિશ્વભરના લાખો હૃદયને સ્પર્શી લીધા છે. તેમણે આશાજી સાથેની તેમની મુલાકાતોને હંમેશા યાદગાર ગણાવી અને કહ્યું કે, તેમનું યોગદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. પ્રધાનમંત્રીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને તેમના પરિવાર, ચાહકો અને સંગીત પ્રેમીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા
શનિવારે આશા ભોંસલેની તબિયત બગડવાના સમાચાર આવ્યા હતા. ગાયિકાની પૌત્રી જનાઈ ભોંસલેએ ઇન્સ્ટાગ્રામ દ્વારા સ્વાસ્થ્ય અપડેટ શેર કરતા લખ્યું હતું કે, ‘તેમને ખૂબ થાક અને છાતીમાં ચેપ લાગવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે અને આશા છે કે બધું સારું થઈ જશે.’ ગાયિકાની તબિયત બગડ્યા બાદ ચાહકો હોસ્પિટલની બહાર ભેગા થવા લાગ્યા હતા. આશા ભોંસલેના ઘરની બહાર પણ લોકો ભેગા થયા હતા. બધાને આશા હતી કે ગાયિકા સ્વસ્થ થઈને પરત ફરશે, પરંતુ તે આશાઓ ઠગારી નીવડી.




