મોહમ્મદ સલાહનો કમાલ, ન્યૂઝીલેન્ડને હરાવી ઈજિપ્તે વર્લ્ડ કપ ઇતિહાસની પ્રથમ જીત નોંધાવી



મોહમ્મદ સલાહનો કમાલ, ન્યૂઝીલેન્ડને હરાવી ઈજિપ્તે વર્લ્ડ કપ ઇતિહાસની પ્રથમ જીત નોંધાવી



વેનકુવરમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. મેચની 15મી મિનિટે ફિન સુરમેને કોર્નર કિક પરથી શાનદાર હેડર ફટકારી ટીમને 1-0ની લીડ અપાવી હતી. પ્રથમ હાફ સુધી ન્યૂઝીલેન્ડનો દબદબો રહ્યો અને ઈજિપ્તને બરાબરી કરવાની કોઈ તક મળી નહોતી.
જોકે, બીજા હાફમાં ઈજિપ્તે જબરદસ્ત વાપસી કરી હતી. 58મી મિનિટે ઝિકોએ હેડર દ્વારા ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. ત્યારબાદ 67મી મિનિટે મોહમ્મદ સલાહે પોતાની ક્લાસ બતાવી શાનદાર ગોલ ફટકાર્યો અને ઈજિપ્તને 2-1ની સરસાઈ અપાવી હતી.
મેચના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડે બરાબરી માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ ઈજિપ્તના મજબૂત ડિફેન્સ સામે સફળતા મળી નહોતી. 82મી મિનિટે ટ્રેઝેગેએ ત્રીજો ગોલ ફટકારી ઈજિપ્તની જીત પર મહોર મારી હતી.
આ મેચમાં ગોલ સાથે મોહમ્મદ સલાહે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. તેઓ વર્લ્ડ કપની બે અલગ-અલગ આવૃત્તિમાં ગોલ કરનાર પ્રથમ ઈજિપ્તીયન ખેલાડી બન્યા છે. ઉપરાંત 34 વર્ષ અને 9 દિવસની ઉંમરે ગોલ કરીને તેઓ ઈજિપ્ત માટે વર્લ્ડ કપમાં ગોલ કરનાર સૌથી વયસ્ક ખેલાડી પણ બન્યા છે.
ઈજિપ્ત માટે આ જીત ઐતિહાસિક માનવામાં આવી રહી છે, કારણ કે ટીમે વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત વિજયનો સ્વાદ ચાખ્યો છે. આ જીત સાથે ઈજિપ્તે નોકઆઉટ રાઉન્ડની રેસમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.




