માનસિક સ્વાસ્થ્ય સંકટ: દરરોજ 42 આત્મહત્યાના કેસ, ડિપ્રેશન અને તણાવ બન્યા ગંભીર પડકાર



માનસિક સ્વાસ્થ્ય સંકટ: દરરોજ 42 આત્મહત્યાના કેસ, ડિપ્રેશન અને તણાવ બન્યા ગંભીર પડકાર



Depression Symptoms: ભારતમાં માનસિક સ્વાસ્થ્ય એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા તરીકે સામે આવી રહ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના 2024ના આંકડા મુજબ મધ્ય પ્રદેશમાં વર્ષ દરમિયાન 15,491 લોકોએ આત્મહત્યા કરી હતી, જેનો અર્થ થાય છે કે સરેરાશ દરરોજ 42 લોકોએ પોતાનું જીવન સમાપ્ત કર્યું. નિષ્ણાતોના મતે આ માત્ર સામાજિક કે કાનૂની સમસ્યા નથી, પરંતુ વધતા માનસિક તણાવ અને ડિપ્રેશનનું ગંભીર પ્રતિબિંબ છે.
યુવાનો અને વિદ્યાર્થીઓમાં વધી રહ્યો છે તણાવ:
માનસિક આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વધતો શૈક્ષણિક અને કારકિર્દી સંબંધિત દબાણ આ સંકટનું મુખ્ય કારણ બની રહ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભવિષ્યને લઈને અનિશ્ચિતતા અને સતત વધતી અપેક્ષાઓના કારણે યુવાનોમાં તણાવ અને ચિંતા વધી રહી છે.
આંકડાઓ દર્શાવે છે કે વિદ્યાર્થી આત્મહત્યાના મામલાઓમાં મધ્ય પ્રદેશ દેશના ટોચના રાજ્યોમાં સામેલ છે. દેશમાં થતી કુલ વિદ્યાર્થી આત્મહત્યાઓમાંથી લગભગ 10 ટકા કેસ એકલા મધ્ય પ્રદેશમાંથી નોંધાયા છે.
વિદ્યાર્થીનીઓમાં વધુ ચિંતાજનક સ્થિતિ:
વર્ષ 2024 દરમિયાન રાજ્યમાં 731 વિદ્યાર્થીનીઓ અને 716 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. નિષ્ણાતો આ પાછળ શૈક્ષણિક દબાણ, સામાજિક અપેક્ષાઓ અને ભાવનાત્મક પડકારોને જવાબદાર ગણાવે છે.
તેઓનું માનવું છે કે આત્મહત્યા ક્યારેય અચાનક લેવાયેલો નિર્ણય નથી હોતો. તેના પાછળ લાંબા સમયથી ચાલતી માનસિક સમસ્યાઓ, ડિપ્રેશન, ચિંતા અને આંતરિક સંઘર્ષ જવાબદાર હોઈ શકે છે. તેથી શરૂઆતના ચેતવણીરૂપ સંકેતોને ઓળખવું અત્યંત જરૂરી છે.
કયા છે શરૂઆતના ચેતવણી સંકેતો?
અમદાવાદની એક ખાનગી મનોચિકિત્સા સંસ્થાની કન્સલ્ટન્ટ અને ‘હેપીનેસ ફર્સ્ટ’ સાથે સંકળાયેલી ડૉ. વિધિ પટેલ વૈષ્ણવના જણાવ્યા મુજબ નીચેના લક્ષણો ગંભીર ચેતવણી સંકેત બની શકે છે:
વારંવાર મૃત્યુ અથવા આત્મહત્યાની વાતો કરવી
અતિશય ચિંતા અને બેચેની અનુભવવી
પોતાને નિરર્થક અથવા બોજ સમાન સમજવું
પરિવાર અને મિત્રોથી અચાનક દૂર થવા લાગવું
પોતાની પ્રિય વસ્તુઓ અન્ય લોકોને આપી દેવી
સતત ઉદાસી અથવા નિરાશાની લાગણી રહેવી
તેમના જણાવ્યા અનુસાર આવા સંકેતો જોવા મળે તો તરત જ માનસિક આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. સમયસર મળતી સારવાર અને પરિવારનો ભાવનાત્મક સહકાર અનેક જીવ બચાવી શકે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે અપનાવો આ પગલાં
નિષ્ણાતો માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે કેટલીક સરળ પરંતુ અસરકારક બાબતો સૂચવે છે:
પૂરતી અને ગુણવત્તાસભર ઊંઘ લેવી
નિયમિત વ્યાયામ કરવો
પરિવાર અને મિત્રો સાથે ખુલ્લી વાતચીત કરવી
સ્ક્રીન ટાઈમ મર્યાદિત રાખવો
જીવનમાં સંતોષ અને સકારાત્મકતા વિકસાવવી
ગામડાં અને નાના શહેરોમાં સેવાઓ પહોંચાડવાની જરૂર
માનસિક આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે કાઉન્સેલિંગ અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓને ગામડાં અને નાના શહેરો સુધી પહોંચાડવી સમયની માંગ છે. શાળાઓ અને કોલેજોમાં કાઉન્સેલિંગ સેન્ટરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તાલીમબદ્ધ નિષ્ણાતોની નિમણૂક અને જાગૃતિ અભિયાનો આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા અને સમયસર મદદ મેળવવાની સંસ્કૃતિ વિકસાવવાથી આત્મહત્યાના વધતા કેસોને અટકાવવામાં મહત્વપૂર્ણ મદદ મળી શકે છે.




