કોલકાતામાં ગોડાઉનની છત ધરાશાયી, 7નાં મોત! ગેરકાયદે બાંધકામના આરોપ વચ્ચે માલિક સહિત 4ની ધરપકડ



કોલકાતામાં ગોડાઉનની છત ધરાશાયી, 7નાં મોત! ગેરકાયદે બાંધકામના આરોપ વચ્ચે માલિક સહિત 4ની ધરપકડ



કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતાના તારાતલા વિસ્તારમાં નિર્માણાધીન ગોડાઉનની છત ધરાશાયી થતાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને પગલે રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મુખ્યમંત્રી સુવેંદુ અધિકારી આજે વિધાનસભામાં વિગતવાર નિવેદન આપવાના છે.
અકસ્માત બાદ કોલકાતા પોલીસે ગોડાઉનના માલિક શંભુનાથ બેહરાની ધરપકડ કરી છે. ઉપરાંત ગોડાઉનના સુપરવાઇઝર મોહમ્મદ ગુલઝાર, લેબર કોન્ટ્રાક્ટર મોહમ્મદ અતાયુલ અને સુભાષ ચૌધરી સહિત કુલ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ હવે ગેરકાયદે બાંધકામ અને બેદરકારીના એંગલથી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગોડાઉનનું બાંધકામ કથિત રીતે નિયમોનો ભંગ કરીને કરવામાં આવ્યું હતું. આરોપ છે કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓની મિલીભગતથી ગોડાઉનને મંજૂરી આપવામાં આવી હતી. આ ઘટનાએ સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
માહિતી અનુસાર, સીપીએમ સંકળાયેલી પોર્ટ ટ્રસ્ટ વર્કર્સ યુનિયને 11 જૂને જ એક પત્ર દ્વારા તંત્રને ચેતવણી આપી હતી કે ગોડાઉનનું બાંધકામ જોખમી છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં આખરે આ દુર્ઘટના બની હોવાનું કહેવાઈ રહ્યું છે.
બીજી તરફ, પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે બાંધકામની મંજૂરી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી અને તેની કાયદેસરતા ચકાસવાની જવાબદારી પણ કોર્પોરેશનની જ હતી.
અકસ્માત બાદથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત બચાવ કામગીરીમાં લાગી છે. અંદાજે 20 કલાકથી વધુ સમયથી ચાલી રહેલા ઓપરેશન દરમિયાન કુલ 29 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 20થી વધુ ઘાયલો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાઇડ્રોલિક ક્રેનની મદદથી ધરાશાયી થયેલા માળખાને હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ બચાવ કામગીરી હજુ યથાવત રાખવામાં આવી છે. ઘટનાએ શહેરમાં શોક અને રોષનો માહોલ સર્જ્યો છે.




