આસામના જોરહાટમાં ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન લાગી આગ



આસામના જોરહાટમાં ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન લાગી આગ



આસામ આસામના જોરહાટ સ્થિત રૌરિયા એરબેસ પર શનિવારે સવારે ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન અકસ્માતગ્રસ્ત થયું હતું. વિમાન એરબેસ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ વિમાનમાં ભીષણ આગ લાગી હતી અને તે બે ભાગમાં તૂટી ગયું હતું.
મળતી માહિતી મુજબ, AN-32 એક માલવાહક અને સૈનિકોને પરિવહન માટે ઉપયોગમાં લેવાતું વિમાન છે. દુર્ઘટનામાં પાયલટના મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ભારતીય વાયુસેનાએ હજુ સુધી સત્તાવાર રીતે જાનહાનિ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. વાયુસેનાએ જણાવ્યું છે કે ઘટનાની વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
અકસ્માત બાદ એરબેસ વિસ્તારમાંથી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ એરબેસ પર હાજર ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
AN-32 વિમાનની ખાસિયત
AN-32 ભારતીય વાયુસેનાનું મહત્વપૂર્ણ ટૅક્ટિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે, જેનો ઉપયોગ સૈનિકો, શસ્ત્રો અને અન્ય જરૂરી સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. આ વિમાનની ખાસિયત એ છે કે તે પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી લેન્ડિંગ કરી શકે છે.
ભારતીય વાયુસેનાએ શરૂઆતમાં સોવિયત સંઘ પાસેથી 125 AN-32 વિમાનો ખરીદ્યા હતા, જેમાંથી હાલ આશરે 100 જેટલા વિમાનો સક્રિય સેવામાં છે. 1980ના દાયકાથી AN-32 ભારતીય વાયુસેનાની મધ્યમ ક્ષમતાવાળી એર ટ્રાન્સપોર્ટ સેવાઓનો આધારસ્તંભ માનવામાં આવે છે. ગરમ હવામાન અને હિમાલય જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ તેની કામગીરીને કારણે તેને વાયુસેનામાં વિશેષ મહત્વ આપવામાં આવે છે.
હાલ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને વાયુસેનાની તરફથી વધુ વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.




