જામનગરમાં વૃદ્ધ હત્યા કેસમાં તપાસ તેજ: આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ LIVE રિકન્સ્ટ્રક્શન કરાયું



જામનગરમાં વૃદ્ધ હત્યા કેસમાં તપાસ તેજ: આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ LIVE રિકન્સ્ટ્રક્શન કરાયું



જામનગર: શહેરના શરૂ સેકશન રોડ વિસ્તારમાં થયેલી વૃદ્ધ દેવાયતભાઈ વરોતરિયાની ચર્ચાસ્પદ હત્યા કેસમાં પોલીસ તપાસ વધુ તેજ બની છે. કેસમાં ઝડપાયેલા આરોપીને સીટી 'સી' ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું લાઇવ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પોલીસની હાજરીમાં આરોપીએ ઘટનાના દિવસે પોતે કયા રસ્તે ઘટનાસ્થળે પહોંચ્યો, કેવી રીતે વૃદ્ધ પર હુમલો કર્યો અને હત્યાને કેવી રીતે અંજામ આપ્યો તે અંગે સમગ્ર ઘટનાક્રમ ફરી રજૂ કર્યો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન તપાસ અધિકારીઓએ દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા દરમિયાન તપાસને મહત્વની દિશા મળે તેવા કેટલાક નવા તથ્યો અને પુરાવા પણ સામે આવ્યા હોવાની શક્યતા છે. હવે પોલીસ આ તમામ પાસાઓની વૈજ્ઞાનિક અને ટેકનિકલ તપાસ કરી રહી છે.
સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સમગ્ર કાર્યવાહી પર નજર રાખી રહ્યા હતા.
જામનગરમાં ભારે ચર્ચાનો વિષય બનેલા આ હત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શનને તપાસનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવી રહ્યો છે. પોલીસને આશા છે કે આ કાર્યવાહીથી કેસના અનેક સવાલોના જવાબ મળશે અને આરોપ સામે વધુ મજબૂત પુરાવા એકત્રિત કરવામાં સફળતા મળશે.




