RCB vs SRH: 6 વિકેટે હૈદરબાદની હાર, RCBએ જીત સાથે ખાતું ખોલ્યું



RCB vs SRH: 6 વિકેટે હૈદરબાદની હાર, RCBએ જીત સાથે ખાતું ખોલ્યું



RCB vs SRH: IPL 2026ની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે, સનરાઇઝર્સ હૈદરાબાદે બેંગ્લોરને 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલની અડધી સદીઓએ RCBને 202 રનના ટાર્ગેટને સરળતાથી પૂરો કરવામાં મદદ કરી હતી. કોહલીએ 38 બોલમાં અણનમ 69 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને એટલા જ છગ્ગાનો સમાવેશ થાય છે. ત્રીજા નંબર પર બેટિંગ કરતા પડિકલે 26 બોલમાં 61 રન બનાવીને RCBની જીતનો પાયો નાંખ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે ઇશાન કિશન (80) અને અનિકેત વર્મા (43) ની તાકાતે નવ વિકેટે 201 રન બનાવ્યા હતા, RCBએ 15.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કર્યો હતો.
તેમના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ પર રમી રહેલા RCBના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેકબ ડફીએ ટીમને મજબૂત શરૂઆત આપી હતી. હૈદરાબાદે માત્ર 29 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ ઇશાન કિશને 38 બોલમાં 80 રન બનાવીને ટીમને 200 રનનો આંકડો પાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
અંતિમ ઓવરમાં અનિકેત વર્માની વિસ્ફોટક બેટિંગને કારણે 18 બોલમાં 43 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસેને પણ મહત્વપૂર્ણ 31 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદના અભિષેક શર્મા (7), ટ્રેવિસ હેડ (9) અને નીતિશ કુમાર રેડ્ડી (1) ઓછા રન બનાવીને આઉટ થયા હતા. તો આરસીબી તરફથી જેકબ ડફી અને રોમારિયો શેફર્ડે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ અને સુયશ શર્માએ એક-એક વિકેટ લીધી હતી.




