IPL 2026 ફાઇનલમાં વોશિંગ્ટન સુંદરનો મોટો રેકોર્ડ, ગુજરાત ટાઇટન્સ માટે ખાસ સિદ્ધિ હાંસલ કરી



IPL 2026 ફાઇનલમાં વોશિંગ્ટન સુંદરનો મોટો રેકોર્ડ, ગુજરાત ટાઇટન્સ માટે ખાસ સિદ્ધિ હાંસલ કરી



Washington Sundar: IPL 2026ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે માત્ર 155/8નો સ્કોર જ બનાવી શકી હતી, પરંતુ ટીમના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે અર્ધસદીય ઇનિંગ્સ દરમિયાન એક મહત્વપૂર્ણ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.
વોશિંગ્ટન સુંદર હવે ગુજરાત ટાઇટન્સ માટે ચોથા ક્રમ અથવા તેનાથી નીચલા ક્રમે બેટિંગ કરતાં સૌથી વધુ વખત અર્ધશતક ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. સુંદર ઉપરાંત ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યાએ પણ 3-3 વખત નંબર-4 અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતાં અર્ધશતક નોંધાવ્યાં છે.
આ યાદીમાં વિજય શંકર અને શાહરુખ ખાન સંયુક્ત રીતે બીજા સ્થાને છે. બંને ખેલાડીઓએ 2-2 વખત ચોથા ક્રમ અથવા તેનાથી નીચે બેટિંગ કરતાં અર્ધશતક ફટકાર્યા છે. રવિવારે રમાયેલી ફાઇનલમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટીમને 2.2 ઓવરમાં કેપ્ટન શુભમન ગિલ (10)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો.
ટીમના સ્કોરમાં થોડો વધારો થયો ત્યાં જ સાઈ સુદર્શન (12) પણ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ જોસ બટલર અને નિશાંત સંધૂએ ત્રીજી વિકેટ માટે 26 બોલમાં 29 રનની ભાગીદારી કરીને ટીમને 55 રન સુધી પહોંચાડી હતી. નિશાંત સંધૂ 18 બોલમાં 20 રન બનાવીને આઉટ થયા બાદ ગુજરાતની ઇનિંગ્સ લથડવા લાગી હતી અને નિયમિત અંતરે વિકેટો પડતી રહી હતી.
આ મુશ્કેલ પરિસ્થિતિમાં વોશિંગ્ટન સુંદરએ જવાબદારીભરી ઇનિંગ્સ રમી હતી. તેમણે 37 બોલમાં 5 ચોગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા. જ્યારે અરશદ ખાને 15 રનનું યોગદાન આપ્યું હતું. RCB તરફથી રાસિખ સલામ ડારે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ મેળવી હતી, જ્યારે કૃણાલ પંડ્યાએ 1 વિકેટ પોતાના નામે કરી હતી.
વોશિંગ્ટન સુંદરની લડાયક અર્ધશતક છતાં ગુજરાત ટાઇટન્સ મોટો સ્કોર ઉભો કરવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ તેમની આ ઇનિંગ્સે તેમને ફ્રેન્ચાઇઝીના ઇતિહાસમાં એક વિશેષ સ્થાન અપાવ્યું છે.




