આગામી 48 કલાક... ભારત-US ટ્રેડ ડિલ થઈ શકે છે ફાઇનલ!



આગામી 48 કલાક... ભારત-US ટ્રેડ ડિલ થઈ શકે છે ફાઇનલ!



India-US Trade Deal: ભારત-અમેરિકા વેપાર કરાર અંગે એક મોટી અપડેટ સામે આવી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને યુએસ વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે નવી દિલ્હીમાં મળવાના છે. આ વાટાઘાટો મહત્વપૂર્ણ છે. કારણ કે, બંને પક્ષો ટ્રમ્પની 24 જુલાઈની 10% ટેરિફ સમયમર્યાદા પહેલાં ટેરિફ લાભ મેળવવા માગે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આગામી 48 કલાક બંને દેશોના વેપાર સંબંધો માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ નવી દિલ્હીમાં યુએસ વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. કારણ કે, બંને દેશો લાંબા સમયથી વિલંબિત દ્વિપક્ષીય વેપાર કરારના (ભારત-યુએસ બીટીએ) પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયાસો ચાલુ રાખે છે. આ બેઠક આ મહિનાની શરૂઆતમાં નવી દિલ્હીમાં મુખ્ય વાટાઘાટકારો વચ્ચેની ચર્ચા પછી થઈ છે. ફ્રાન્સમાં G7 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વેપાર સોદા પર ચર્ચા કરી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીના જણાવ્યા અનુસાર, ભારત-અમેરિકા વેપાર સોદા પર વાટાઘાટો તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને બંને દેશોએ તાજેતરના અઠવાડિયામાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે એ પણ સંકેત આપ્યો છે કે, પિયુષ ગોયલ અને ગ્રીર વચ્ચેની વાટાઘાટો ફ્રેમવર્ક કરારને અંતિમ સ્વરૂપ આપવા પર કેન્દ્રિત થવાની સંભાવના છે.
પીયૂષ ગોયલે જૂનની શરૂઆતમાં એમ પણ કહ્યું હતું કે, બંને પક્ષો તમામ બાકી મુદ્દાઓને ઉકેલવા માટે આગળ વધી રહ્યા છે અને કરારના પ્રથમ તબક્કા પર આવતા મહિનાના મધ્ય સુધીમાં હસ્તાક્ષર થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, જો આ 24 જુલાઈ પહેલાં થાય તો તે ખૂબ જ આનંદદાયક રહેશે.
ટેરિફનો મુદ્દો ઉકેલાશે
ભારત અને અમેરિકા વચ્ચેના અગાઉના કરાર હેઠળ, ભારતીય નિકાસ પર 18% ટેરિફ લાદવાની અપેક્ષા હતી, જ્યારે સ્પર્ધાત્મક દેશો પર 19%થી 20% સુધીનો ટેરિફ લાદવામાં આવ્યો હતો. જો કે, હાલમાં બધા દેશો પર એકસમાન 10% વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે ભારતને કોઈ ફાયદો નથી. સૂત્રોને ટાંકીને પીટીઆઈના એક અહેવાલમાં જણાવાયું છે કે, ભારત અંતિમ કરાર દ્વારા ખાતરી કરવા માગે છે કે તેના નિકાસકારોને વિયેતનામ, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા જેવા દેશોની તુલનામાં વધુ સારી બજાર ઍક્સેસ મળે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ તેના વેપારી ભાગીદારો પાસેથી આયાત પર 150 દિવસ માટે અસ્થાયી રૂપે 10% ડ્યુટી લાદી હતી અને તેની સમયમર્યાદા 24 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે, ત્યારબાદ નવું ટેરિફ માળખું લાગુ કરી શકાય છે.




