વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ બાદ ભારત મદદે આવ્યું, કાર્યકારી રાષ્ટ્રપતિએ PM મોદીનો માન્યો આભાર



વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ બાદ ભારત મદદે આવ્યું, કાર્યકારી રાષ્ટ્રપતિએ PM મોદીનો માન્યો આભાર



નવી દિલ્હી/કારાકાસ: વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ સર્જાયેલા માનવીય સંકટ વચ્ચે ભારતે રાહત અને બચાવ કામગીરીમાં દરેક શક્ય મદદ કરવાની તૈયારી દર્શાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેનેઝુએલાના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સહાયનું આશ્વાસન આપતાં કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે ભારતનો આભાર વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી મોદીની પોસ્ટનો જવાબ આપતાં રોડ્રિગેઝે જણાવ્યું હતું કે, “અમારા દેશમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલી સંવેદના અને ભારત તરફથી સહાયની ઇચ્છાનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં ભારતના સમર્થન માટે અમે આભારી છીએ.”
આ પહેલાં પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “વેનેઝુએલામાં આવેલા ભયાનક ભૂકંપથી થયેલી તબાહીથી હું અત્યંત દુઃખી છું. ભારતના લોકો વતી વેનેઝુએલાની સરકાર અને ત્યાંના નાગરિકો પ્રત્યે, ખાસ કરીને પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે, હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ અને આ કપરા સમયમાં તમામ પીડિતોની સાથે છીએ. ભારત દરેક સંભવ મદદ માટે તૈયાર છે.”
વેનેઝુએલાની કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે આપેલા તાજેતરના અપડેટ મુજબ, ભૂકંપમાં અત્યાર સુધી 32 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જોકે, યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)એ ચેતવણી આપી છે કે મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
અહેવાલો મુજબ બુધવારે સાંજે પ્રથમ 7.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ત્યારબાદ માત્ર એક મિનિટમાં 7.5ની તીવ્રતાનો વધુ શક્તિશાળી આંચકો આવ્યો હતો. બંને ભૂકંપના કેન્દ્ર કારાકાસથી આશરે 160 કિલોમીટર પશ્ચિમે આવેલા મોરોન નજીક દરિયાકાંઠાના વિસ્તારમાં હતા. 10 કિલોમીટર જેટલી ઓછી ઊંડાઈએ આવેલા આ ભૂકંપોએ ભારે નુકસાન સર્જ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.
વેનેઝુએલાના ગૃહ, ન્યાય અને શાંતિ મંત્રી ડિઓસડાડો કાબેલોએ જણાવ્યું હતું કે ભૂકંપના જોરદાર આંચકાઓથી દેશના અનેક શહેરોમાં ભારે નુકસાન થયું છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.




