રામ મંદિર ચઢાવા ચોરી મામલે RSSની પ્રથમ પ્રતિક્રિયા, 'રામભક્તોની લાગણીને આઘાત લાગ્યો'



રામ મંદિર ચઢાવા ચોરી મામલે RSSની પ્રથમ પ્રતિક્રિયા, 'રામભક્તોની લાગણીને આઘાત લાગ્યો'



Ram Mandir Donation Theft RSS Reaction: અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ચઢાવા (દાન)ની ચોરીના વિવાદ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તરફથી પ્રથમ વખત સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ આ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને કહ્યું છે કે, આ ઘટનાથી કરોડો રામભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે આ મામલાની SIT તપાસનું સ્વાગત કર્યું છે અને દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.
"આ માત્ર ચોરી નહીં, આસ્થાનો પ્રશ્ન"
દત્તાત્રેય હોસબાલેએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત ભવ્ય મંદિર કરોડો રામભક્તોના ત્યાગ, સમર્પણ અને સંઘર્ષનું પ્રતિક છે. દેશભરના હિન્દુ સમાજ માટે આ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. તેમણે કહ્યું કે, રામલલા મંદિરની દાનપેટીઓમાં જમા થયેલી રકમની ચોરીની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને તેને સામાન્ય ગુનાની જેમ નહીં પરંતુ કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલા ગંભીર મુદ્દા તરીકે જોવી જોઈએ.
SITની તપાસ તેજ
આ મામલે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) હાલ રામ મંદિર પરિસરમાં તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, સતત બીજા દિવસે પણ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેટલાક મહત્વપૂર્ણ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. SIT દ્વારા અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સહિતના લોકોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. અગાઉ પણ તેમની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ આ સમગ્ર કૌભાંડમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા પણ તપાસી રહી છે.
150થી વધુ લોકોની પૂછપરછ
તપાસ દરમિયાન SITએ અત્યાર સુધીમાં 150થી વધુ લોકોની પૂછપરછ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસ એજન્સીઓને શંકા છે કે હાલ જેલમાં રહેલા આરોપીઓ સિવાય પણ કેટલાક અન્ય લોકો આ સમગ્ર ગેરરીતિમાં સામેલ હોઈ શકે છે. આથી તપાસનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે અને નાણાંકીય લેવડદેવડ સહિતના તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.
વિનય કટિયારનું પણ મોટું નિવેદન
રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા વરિષ્ઠ નેતા વિનય કટિયારે પણ આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રામ મંદિરના ચઢાવામાં ગેરરીતિ થઈ છે અને તપાસ આગળ વધતા વધુ મોટા ખુલાસા થઈ શકે છે. તેમણે એવું પણ કહ્યું કે તપાસમાં જો કોઈ પણ વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેની સામે કાનૂની કાર્યવાહી થશે.
મંદિર વ્યવસ્થામાં સુધારાની માંગ
RSSએ પોતાના નિવેદનમાં મંદિર વ્યવસ્થાપન અને સંબંધિત તંત્રને અપીલ કરી છે કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તમામ ખામીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે. ભક્તોના વિશ્વાસને જાળવી રાખવા માટે પારદર્શક અને મજબૂત વ્યવસ્થા ઉભી કરવાની જરૂર હોવાનું પણ સંઘે જણાવ્યું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



