જયપુરમાં મોટો અકસ્માત! ઘરમાં ચાલતી ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 3 લોકોનાં મોત



જયપુરમાં મોટો અકસ્માત! ઘરમાં ચાલતી ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 3 લોકોનાં મોત



Jaipur Firecracker Factory Fire: રાજસ્થાનની રાજધાની જયપુરના ખો નાગોરિયાન વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રહેણાંક વિસ્તારમાં આવેલા એક ઘરમાં ગેરરીતે ચલાવવામાં આવતી ફટાકડા ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. મળતી માહિતી મુજબ, ફટાકડા બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે આખું મકાન આગની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ઘાયલોને SMS હોસ્પિટલમાં ખસેડાયા
આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર માટે જયપુરની SMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઘાયલોની સ્થિતિ ચિંતાજનક છે અને તેમને બચાવવા માટે તબીબી ટીમ સતત પ્રયાસ કરી રહી છે.
પ્રશાસન અને ફાયર બ્રિગેડે સંભાળી કમાન
ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રશાસન, સિવિલ ડિફેન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર ટીમોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જયપુર કલેક્ટર સંદેશ નાયક, એડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત-બચાવ કામગીરીની સીધી દેખરેખ રાખી હતી.
રહેણાંક વિસ્તારમાં ફેક્ટરી ચલાવાતી હોવા પર ઉઠ્યા સવાલ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફટાકડા ફેક્ટરી કોઈ ઔદ્યોગિક ઝોનમાં નહીં પરંતુ રહેણાંક વિસ્તારમાં આવેલા મકાનમાં ચલાવવામાં આવી રહી હતી. ઘટનાને પગલે સુરક્ષા નિયમો અને મંજૂરી પ્રક્રિયા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે અને પ્રશાસને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



