ભારતનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.11% વધ્યું, રૂ. 7.74 લાખ કરોડનો આંકડો પાર


ભારતનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.11% વધ્યું, રૂ. 7.74 લાખ કરોડનો આંકડો પાર


India Direct Tax Collection: ભારતના અર્થતંત્ર માટે વધુ એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં 13 જુલાઈ સુધી દેશનું કુલ (Gross) ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.11 ટકા વધીને 7.74 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ વૃદ્ધિ પાછળ કોર્પોરેટ ટેક્સ, નોન-કોર્પોરેટ ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં નોંધાયેલી મજબૂત વસૂલાત મુખ્ય કારણ હોવાનું સત્તાવાર આંકડાઓમાં જણાવાયું છે.
રિફંડ બાદનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.4 ટકા વધીને 6.51 લાખ કરોડ રૂપિયા થયું છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 1.22 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ પણ આપવામાં આવ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 14.57 ટકા વધુ છે. આંકડા મુજબ, રિફંડ બાદ કોર્પોરેટ ટેક્સ કલેક્શન 2.40 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે નોન-કોર્પોરેટ ટેક્સ કલેક્શન 3.85 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. બંને કેટેગરીમાં ગયા વર્ષની તુલનાએ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)ની વસૂલાતમાં પણ નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. નેટ STT કલેક્શન 26,428.96 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષની સમાન અવધિ કરતાં ઘણું વધારે છે. નિષ્ણાતોના મતે, ડાયરેક્ટ ટેક્સ વસૂલાતમાં સતત વધારો એ દેશના અર્થતંત્રની મજબૂતી અને વ્યાપારિક પ્રવૃત્તિઓમાં તેજીનો સ્પષ્ટ સંકેત છે. સરકારને વધતી ટેક્સ આવકથી વિકાસલક્ષી યોજનાઓ માટે વધુ નાણાકીય સક્ષમતા મળશે.




