DRDO એ લાંબા અંતરની લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, સંરક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા



DRDO એ લાંબા અંતરની લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, સંરક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા



DRDO Long Range Land Attack Cruise Missile Test: ભારતની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતી મોટી સિદ્ધિ તરીકે રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ લાંબા અંતરની લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ (LRLACM)નું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશા કિનારે સ્થિત ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી આ મિસાઇલનું સફળ ફ્લાઇટ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યું હતું. ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે તૈનાત વિવિધ ટ્રેકિંગ સિસ્ટમો દ્વારા મેળવાયેલા ડેટા અનુસાર પરીક્ષણના તમામ નિર્ધારિત ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ થયા હતા. આ મિસાઇલ સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવી છે.
DRDOની વિવિધ પ્રયોગશાળાઓ તેમજ ભારતીય ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી વિકસિત આ મિસાઇલ માટે બંગલુરુ સ્થિત એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ નોડલ એજન્સી તરીકે કાર્યરત રહી હતી. પરીક્ષણ દરમિયાન ભારતીય નૌસેના અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ સફળતા બદલ DRDOના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન પાઠવ્યા હતા. DRDOના અધ્યક્ષ અને રક્ષા વિભાગના સચિવ રાજેશ કુમાર સિંહે પણ સમગ્ર પરીક્ષણ પ્રક્રિયાની દેખરેખ રાખી હતી અને ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં DRDOએ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સહિત અનેક અદ્યતન સંરક્ષણ ટેક્નોલોજીના સફળ પરીક્ષણો કરીને ભારતને વિશ્વના શક્તિશાળી સંરક્ષણ ધરાવતા દેશોની હરોળમાં વધુ મજબૂત સ્થાન અપાવ્યું છે. આ સફળ પરીક્ષણ ભારતની આત્મનિર્ભર સંરક્ષણ નીતિ માટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થઈ રહ્યું છે અને દેશની રક્ષા શક્તિમાં નોંધપાત્ર વધારો કરશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



