દેશનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન ગ્વાલિયરમાં બનશે, કેન્દ્ર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે MOU


દેશનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન ગ્વાલિયરમાં બનશે, કેન્દ્ર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે MOU


દેશના ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને નવી દિશા આપતી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે ગ્વાલિયરમાં દેશનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન (TMZ) સ્થાપવા માટે કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહેશે.
આ એમઓયુ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારત સરકારના ટેલિકોમ વિભાગ અને મધ્યપ્રદેશ સરકારના ઔદ્યોગિક નીતિ તથા રોકાણ પ્રોત્સાહન વિભાગ વચ્ચે કરવામાં આવશે. લગભગ 350 એકર વિસ્તારમાં આ ઝોનને પ્લગ-એન્ડ-પ્લે મોડલ હેઠળ વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના માળખાકીય વિકાસ માટે કેન્દ્ર સરકારે ₹493 કરોડની 100 ટકા નાણાકીય સહાય મંજૂર કરી છે.
સિંધિયાએ આ પ્રોજેક્ટને ભારતના ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, આ ઝોન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારત 2047ના વિઝનને નવી ગતિ આપશે.
ઝોનમાં મોબાઇલ ફોન, ટેલિકોમ નેટવર્ક સાધનો, ફાઇબર ઓપ્ટિક ઉત્પાદનો, સેમિકન્ડક્ટર તેમજ 5G અને 6G ટેક્નોલોજીના સંશોધન, વિકાસ અને ઉત્પાદન માટે સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી રોકાણ, રોજગાર, સ્ટાર્ટઅપ્સ અને MSME ક્ષેત્રને પણ મોટો લાભ મળવાની અપેક્ષા છે.




