ગાંધીનગરના કુડાસણમાં રૂપિયા 1.10 કરોડની લેતીદેતીમાં મારામારી: 11 આરોપીઓની ધરપકડ



ગાંધીનગરના કુડાસણમાં રૂપિયા 1.10 કરોડની લેતીદેતીમાં મારામારી: 11 આરોપીઓની ધરપકડ



ગાંધીનગર: શહેરના કુડાસણ વિસ્તારમાં રૂપિયા 1.10 કરોડની લેતીદેતીના મામલે થયેલી મારામારીમાં પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી. ગોહિલે જણાવ્યું કે ઘટના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અને પ્રાથમિક તપાસમાં નાણાકીય વ્યવહારને લઈને વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદીએ મહેન્દ્રસિંહ રાઠોડને રૂ. 1.10 કરોડ આપ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાનમાં કામ કરાવવાના બહાને રૂ. 10 કરોડથી વધુની રકમની લેવડદેવડ પણ થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પૈસાની ઉઘરાણી અને લેવડદેવડના મુદ્દે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી.
આરોપ છે કે મહેન્દ્રસિંહ રાઠોડ પોતાના 10 સાગરિતો સાથે ફરિયાદી પર હુમલો કરવા આવ્યો હતો. તમામ આરોપીઓ અમદાવાદના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હુમલો કરવા માટે આરોપીઓ હથિયારો સાથે ગાંધીનગર આવ્યા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.
ઘટનામાં રોહિતભાઈ પટેલ અને ભરતસિંહ ચંપાવતને ઈજાઓ પહોંચી છે. બંને વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરનાર ભરતસિંહ ચંપાવત ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
ઘટના બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 11 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ફરિયાદમાં કરાયેલા અન્ય આક્ષેપોની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું ડી.ટી. ગોહિલે જણાવ્યું છે.




