ગાંધીનગરમાં કોસ્ટ ગાર્ડના જવાને જાત પર ગોળી ચલાવી: સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ



ગાંધીનગરમાં કોસ્ટ ગાર્ડના જવાને જાત પર ગોળી ચલાવી: સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ



ગાંધીનગર ગાંધીનગરના સેક્ટર-1માં આવેલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિસમાં રવિવારે સવારે ચકચાર મચાવતી ઘટના બની હતી. ફરજ પર તહેનાત કોસ્ટ ગાર્ડના જવાને પોતાની સર્વિસ રાઇફલથી જાત પર ગોળી ચલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગાંધીનગરના સેક્ટર-1માં ગાયત્રી મંદિર પાસે આવેલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિસમાં રવિવારે સવારે આ ઘટના બની હતી. ફરજ દરમિયાન 43 વર્ષીય કોસ્ટ ગાર્ડના જવાને પોતાની સર્વિસ રાઇફલથી જાત પર ગોળી ચલાવી દીધી હતી.
ગોળીબારનો અવાજ સંભળાતા જ કોસ્ટ ગાર્ડના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં જવાનને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ જવાનની ઓળખ હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ (ઉં.વ. 43) તરીકે થઈ છે. તેઓ ગાંધીનગર નજીક આવેલા લેકાવાડા ગામના રહેવાસી છે અને કોસ્ટ ગાર્ડની ઓફિસમાં સુરક્ષા ફરજ બજાવતા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એફએસએલ (FSL)ની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી છે.
પોલીસે જવાનના પરિવારજનોને ઘટનાની જાણ કરી છે. જવાને આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસ તેમના પરિવારજનો અને સાથી કર્મચારીઓની પૂછપરછ કરીને સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.




