વંડરલેન્ડ રેઝિન્સની કિસમિસનો બેચ પરત ખેંચવાનો આદેશ, મંજૂર મર્યાદા કરતાં વધુ મળ્યા જંતુનાશક અવશેષ



વંડરલેન્ડ રેઝિન્સની કિસમિસનો બેચ પરત ખેંચવાનો આદેશ, મંજૂર મર્યાદા કરતાં વધુ મળ્યા જંતુનાશક અવશેષ



ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI) દ્વારા સન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને ‘વંડરલેન્ડ રેઝિન્સ’ બ્રાન્ડ હેઠળ વેચાતી કિસમિસના એક બેચને તાત્કાલિક બજારમાંથી પરત ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. નિયમનકારી તપાસ દરમિયાન કિસમિસના નમૂનામાં નિર્ધારિત સુરક્ષા મર્યાદા કરતાં વધુ જંતુનાશક અવશેષ મળી આવ્યા હતા.
FSSAIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ લેવામાં આવેલા નિયમનકારી નમૂનાને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. ઉત્તર ક્ષેત્ર કાર્યાલયના સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ‘વંડરલેન્ડ રેઝિન્સ’ બ્રાન્ડની કિસમિસનો નમૂનો લેવામાં આવ્યો હતો.
આ નમૂનાની તપાસ ગાઝિયાબાદ સ્થિત નેશનલ ફૂડ લેબોરેટરી તેમજ NIFTEM-Kની રેફરલ લેબોરેટરીમાં કરવામાં આવી હતી. બંને પ્રયોગશાળાના પરીક્ષણોમાં જંતુનાશક અવશેષોની માત્રા મહત્તમ મંજૂર મર્યાદા કરતાં વધુ હોવાનું સામે આવ્યું હતું. પરિણામે નમૂનાને ખાદ્ય સુરક્ષાના દૃષ્ટિકોણથી અસુરક્ષિત ગણવામાં આવ્યો.
આ તપાસ બાદ સક્ષમ સત્તાધિકારીએ કંપનીને સંબંધિત સમગ્ર બેચને તાત્કાલિક પરત ખેંચવા અને ફૂડ રિકોલ રેગ્યુલેશન્સ, 2017ની જોગવાઈઓનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે.
FSSAIએ કંપનીને રિકોલ પ્રક્રિયાની માહિતી અને સમયાંતરે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા, પરત મેળવેલા ઉત્પાદનોનો યોગ્ય રેકોર્ડ જાળવવા તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવા પણ સૂચના આપી છે.





