Get News Alerts

Never miss breaking news updates.

ગુનાખોરી પર કડક નિયંત્રણ, સાઇબર ક્રાઇમ-ટ્રાફિક પર વિશેષ ફોકસ: DGP જી.એસ. મલિક

રાજ્યના DGP જી.એસ. મલિકે ગુનાખોરી નિયંત્રણ, સાઇબર ક્રાઇમ, ટ્રાફિક વ્યવસ્થા અને ડ્રગ્સ વિરોધી અભિયાનને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. લોકભાગીદારીથી CCTV નેટવર્ક વધારવા, કન્વિક્શન રેટ સુધારવા અને પોલીસ જવાનોના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવાની પણ તેમણે વાત કરી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 08 Jun 2026 12:51 PM IST
ગુનાખોરી પર કડક નિયંત્રણ, સાઇબર ક્રાઇમ-ટ્રાફિક પર વિશેષ ફોકસ: DGP જી.એસ. મલિકગુનાખોરી પર કડક નિયંત્રણ, સાઇબર ક્રાઇમ-ટ્રાફિક પર વિશેષ ફોકસ: DGP જી.એસ. મલિક

અમદાવાદ: રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે ગુનાખોરી નિયંત્રણ, સાઇબર ક્રાઇમ, ટ્રાફિક વ્યવસ્થા અને ડ્રગ્સ વિરોધી અભિયાનને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ગુનાઓ શોધવા, અટકાવવા અને આરોપીઓની ઓળખ કરવા માટે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે.

DGPએ જણાવ્યું હતું કે રાજ્યમાં લોકભાગીદારીના માધ્યમથી 4000થી વધુ નવા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાના ફૂટેજ સીધા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હોવાથી ગુનાઓના ઝડપી ભેદ ઉકેલવામાં મદદ મળી રહી છે. આગામી સમયમાં વધુ CCTV સ્થાપિત કરવા પર પણ ભાર મૂકવામાં આવશે.

તેમણે કહ્યું કે ગુનેગારોમાં કાયદાનો ભય ઉભો થાય તેવી કામગીરી કરવામાં આવશે. સાથે જ નાગરિકોને સ્થાનિક સ્તરે જ ઝડપી ન્યાય અને પોલીસ સહાય મળી રહે તે માટે વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવામાં આવશે, જેથી લોકોને ગાંધીનગર સુધી ધક્કા ખાવા ન પડે.

ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજ્યભરમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે. ઉપરાંત આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખી અત્યારથી જ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

DGPએ જણાવ્યું કે કન્વિક્શન રેટ વધારવા માટે CCTV સહિતના ટેકનિકલ પુરાવાઓના ઉપયોગ પર ભાર મૂકવામાં આવશે તેમજ જરૂરી કાનૂની માર્ગદર્શન માટે અનુભવી લીગલ એડવાઇઝર્સની મદદ લેવામાં આવશે.

ટ્રાફિક વ્યવસ્થાને લઈને તેમણે જણાવ્યું કે અમદાવાદમાં કેટલાક સ્થળોએ કટ બંધ કરીને ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું છે, જેના કારણે માર્ગ અકસ્માતોમાં ઘટાડો નોંધાયો છે. હવે ઓવરસ્પીડ વાહનચાલકો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે અને હેલ્મેટ ડ્રાઇવને વધુ વેગ આપવામાં આવશે. આ મોડલને સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવાની પણ યોજના છે.

પોલીસ કર્મચારીઓના આરોગ્ય અંગે તેમણે જણાવ્યું કે 'મિશન ખાખી' અંતર્ગત જવાનોની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, જેથી પોલીસ દળ વધુ સશક્ત અને તંદુરસ્ત બની શકે.

સુરત ડિમોલેશન મામલે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં DGPએ જણાવ્યું કે સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે. સાથે જ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામેની કાર્યવાહી પણ યથાવત ચાલુ રહેશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.