દલાઈ લામાના 91મા જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ, PM મોદીએ પાઠવી શુભકામનાઓ



દલાઈ લામાના 91મા જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ, PM મોદીએ પાઠવી શુભકામનાઓ



નવી દિલ્હી: બૌદ્ધ ધર્મગુરુ અને 14મા દલાઈ લામાના 91મા જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત દેશના અનેક અગ્રણી નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ દલાઈ લામાના શાંતિ, કરુણા અને વૈશ્વિક કલ્યાણ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરતાં તેમના દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "પરમ પાવન દલાઈ લામાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. શાંતિ અને સૌહાર્દનો તેમનો સંદેશ વિશ્વભરના લોકો માટે પ્રેરણારૂપ રહ્યો છે. તેમની નૈતિક અને આધ્યાત્મિક શક્તિ તેમજ વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. હું તેમના દીર્ઘ અને સ્વસ્થ જીવનની કામના કરું છું."
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ દલાઈ લામાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, "કરુણા, શાંતિ અને માનવીય ગૌરવ પ્રત્યેનું તેમનું આજીવન સમર્પણ વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે. તેમની પ્રજ્ઞા આવનારી પેઢીઓને પણ માર્ગદર્શન આપતી રહે તેવી શુભેચ્છા."
કેન્દ્રીય સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના પ્રધાન કિરણ રિજિજૂએ દલાઈ લામાના મૂલ્યોને સમગ્ર માનવજાત માટે પ્રેમ, શાંતિ અને કરુણાનો પ્રકાશ ગણાવતા તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.
કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, "કરુણા, સૌહાર્દ અને શાંતિ માટેનું તમારું આજીવન સમર્પણ સમગ્ર માનવતા માટે માર્ગદર્શક રહ્યું છે. તમારા સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની કામના કરું છું."
કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન સી.આર. પાટીલે પણ દલાઈ લામાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, "કરુણા, અહિંસા, શાંતિ અને માનવીય મૂલ્યો પ્રત્યેનું તમારું સમર્પણ વિશ્વભરના અસંખ્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત રહ્યું છે. માનવ કલ્યાણ માટેના તમારા પ્રયાસો આવનારી પેઢીઓને પણ માર્ગદર્શન આપતા રહેશે."
કોણ છે દલાઈ લામા?
6 જુલાઈ, 1935ના રોજ તિબેટના તક્તસેર ગામમાં જન્મેલા તેનઝિન ગ્યાત્સો 14મા દલાઈ લામા છે. તિબેટી પરંપરા મુજબ, તેમને બે વર્ષની વયે 13મા દલાઈ લામાના પુનર્જન્મ તરીકે માન્યતા આપવામાં આવી હતી. વર્ષ 1959માં તેઓ તિબેટ છોડીને ભારત આવ્યા હતા અને 1960થી હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં નિવાસ કરી રહ્યા છે, જેને 'લિટલ લ્હાસા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના શાંતિ, કરુણા અને અહિંસાના સંદેશે વિશ્વભરમાં વિશેષ ઓળખ બનાવી છે.




