સોશિયલ મીડિયામાં છવાઈ ‘કોકરોચ જનતા પાર્ટી’, જાણો મેનિફેસ્ટો...



સોશિયલ મીડિયામાં છવાઈ ‘કોકરોચ જનતા પાર્ટી’, જાણો મેનિફેસ્ટો...



Cockroach Janata Party: સોશિયલ મીડિયામાં હાલમાં એક નામ ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યું છે - કોકરોચ જનતા પાર્ટી. મીમ્સ, રાજનૈતિક ચર્ચા અને યુવાનોના ગુસ્સા વચ્ચે એક ઓનલાઇન અભિયાન શરૂ થયું છે અને હવે ઇન્ટરનેટ પર ટ્રેન્ડિંગમાં છે. છેલ્લા કેટલાક દિવસથી તેમાં હજારો લોકો જોડાયા છે. પરંતુ આખરે આ પાર્ટી શું છે, કોણે બનાવી અને લોકો તેમાં કેમ આટલો રસ દાખવી રહ્યા છે? આવો જાણીએ સમગ્ર મામલો...
શું છે કોકરોચ જનતા પાર્ટી?
કોકરોચ જનતા પાર્ટી એક ઓનલાઇન રાજનૈતિક વ્યંગ ગ્રુપ છે, જેને સામાન્ય લોકો, ખાસ કરીને યુવાનોની નારાજગી અને સિસ્ટમની નિરાશાને અવાજ આપવા માટે બનાવવામાં આવ્યું છે. તેની ટેગલાઇન છે - Voice of the Lazy and Unemployed, એટલે કે આળસુ અને બેરોજગારોનો અવાજ.
એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં તેના સંસ્થાપક અભિજીત ડિપકેને પૂછવામાં આવ્યું કે, આ એક ટ્રેન્ડ જ છે કે પછી કોઈ સંગઠન બનશે? તેના જવાબમાં તેણે કહ્યુ હતુ કે, આ એક સંગઠન બની રહ્યું છે. જો આ માત્ર ટ્રેન્ડ જ હોત તો અમારી વેબસાઇટ પર 2 લાખથી વધારે લોકો રજિસ્ટ્રેશન ન કરાવતા. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, ઇન્સ્ટાગ્રામ પર પાર્ટી સાથે જોડાયેલું કન્ટેટ છેલ્લા 4 દિવસમાં લગભગ 5 મિલિયન વ્યૂ અને ખાસ્સુ એન્ગેજમેન્ટ મેળવી રહ્યું છે.
અચાનક આ કેમનું વાયરલ થયું?
આ ટ્રેન્ડ તે વખતે ચાલુ થયો, જ્યારે સોશિયલ મીડિયામાં સુપ્રીમ કોર્ટના જજ સૂર્યકાંતની એક ટિપ્પણીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારબાદ ઇન્ટરનેટ પર કેટલાય યુવાનોએ બેરોજગારી અને સિસ્ટમને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
આ માહોલમાં કોકરોચ જનતા પાર્ટી નામે એક ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મીમ્સ, વ્યંગ અને રાજનૈતિક નારાજગી સોશિયલ મીડિયામાં ઝડપથી ક્લિક થવા લાગી હતી.
કોણે શરૂઆત કરી?
આ પાર્ટીની શરૂઆત 30 વર્ષીય અભિજીત ડિપકેએ કરી હતી. તેઓ 2020થી 2023 સુધી આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા ટીમમાં વોલેન્ટિયર તરીકે કામ કરતા હતા. હાલ તેઓ અમેરિકા સ્થિત બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સ કરી રહ્યા છે. તેમણે 16મેના દિવસે X પર ગૂગલ ફોર્મ શેર કર્યું હતું અને તેમાં લોકોને પાર્ટી સાથે જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વેબસાઇટ પર શું લખ્યું છે?
પાર્ટીની વેબસાઇટ એવા લોકોનો અવાજ ગણાવે છે કે જેને સિસ્ટમે બેધ્યાન કર્યા છે. વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે, અમે ભ્રષ્ટાચારને ‘સ્ટ્રેટેજિક સ્પેન્ડિંગ’ બનાવવા નથી આવ્યા. અમે માત્ર પૂછવા માગીએ છીએ કે પૈસા ગયા ક્યાં?
પાર્ટીના મેનિફેસ્ટોમાં શું છે?
આ પાર્ટીના મેનિફેસ્ટોમાં વ્યંગ અને ગંભીર રાજનૈતિક માગણીઓનું મિશ્રણ છે.
1. કેબિનેટમાં મહિલાઓને 50 ટકા આરક્ષણ
2. પાર્ટી બદલનારા સાંસદો અને ધારાસભ્યો પર 20 વર્ષ ચૂંટણીમાં બહેન
3. રિટાયર્મેન્ટ પછી મુખ્ય ન્યાયાધીશોને રાજ્યસભા પદ ન આપવાની માગ
4. ચૂંટણીમાં બોગસ વોટિંગ હટાવવા મામલે કાર્યવાહી
આ સિવાય પાર્ટીએ NEET વિવાદ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું સમર્થન પણ કર્યું છે.
કોકરોચ નામ કેમ રાખ્યું?
અભિજિત ડિપકેનું કહેવું છે કે, આ નામ પ્રતિકાત્મક છે. તેમના પ્રમાણે, જો યુવાનો અવાજ બુલંદ કરે તો તેમને કોકરોચ કહેવામાં આવે છે તો તેને જ ઓળખાણ બનાવવી જોઈએ. તેમણે કહ્યુ કે, કોકરોચ ગંદકી અને કચરામાં પેદા થાય છે. આ નામ સિસ્ટમનો બગાડ અને લોકોની નારાજગી માટે પસંદ કરવામાં આવ્યું છે.
પાર્ટીમાં કોણ સામેલ થઈ શકે છે?
પાર્ટી પ્રમાણે સદસ્ય બનવા માટે તમે બેરોજગાર, આળસુ, હંમેશા ઓનલાઇન રહેનારા અને પ્રોફેશનલ રીતે ફરિયાદ કે ગુસ્સો જાહેર કરવામાં સક્ષમ હોવા જોઈએ. એટલે કે આ આખું આંદોલન વ્યંગ અને ઇન્ટરનેટ કલ્ચરના માધ્યમથી પોતાની વાત રાખવાની કોશિશ છે.
આ પાર્ટી સાથે કોણ કોણ જોડાયું છે?
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને કિર્તિ આઝાદે જ્યારે પાર્ટી સાથે મજાકિયા અંદાજમાં વાતચીત કરી ત્યારે આ ટ્રેન્ડ ચર્ચામાં આવ્યો હતો. કિર્તિ આઝાદે પૂછ્યું કે, આ પાર્ટીમાં સામેલ થવા માટે કેવી લાયકાત જોઈએ? તેના પર પાર્ટીએ જવાબ આપ્યો કે, 1983માં વર્લ્ડ કપ જીતવો એ સારી યોગ્યતા છે.
શું ખરેખર આવી કોઈ રાજનૈતિક પાર્ટી બનશે?
હાલ તો આ કહેવું મુશ્કેલ છે કે, કોકરોચ જનતા પાર્ટી એક ઇન્ટરનેટ ટ્રેન્ડ બનીને રહેશે કે પછી આગળ જઈને મોટું રાજનૈતિક આંદોલન પણ કરશે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે, આજના જમાનામાં મીમ્સ, વ્યંગ અને સોશિયલ મીડિયા યુવાનોના રાજનૈતિક ગુસ્સા અને અસંતોષને જાહેર કરવાનું સૌથી મોટું માધ્મય બની ગયું છે.




