શેરબજારમાં સતત બીજા દિવસે તેજી: સેન્સેક્સ 374 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,600ની ઉપર બંધ


શેરબજારમાં સતત બીજા દિવસે તેજી: સેન્સેક્સ 374 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,600ની ઉપર બંધ


Sensex Gains 374 Points: વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે ગુરુવારે ભારતીય શેરબજાર સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ રહ્યું. દિવસના અંતે BSE સેન્સેક્સ 373.76 અંક (0.48%) વધીને 78,954.76 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 11.35 અંક વધીને 24,636.00 પર સ્થિર રહ્યો.
બજારમાં ખાસ કરીને PSU બેંક, ઓઈલ એન્ડ ગેસ તેમજ ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રમાં ખરીદી જોવા મળી. બીજી તરફ મીડિયા, રિયલ્ટી, ઓટો, મેટલ અને IT શેરોમાં નફાવસૂલીના કારણે દબાણ જોવા મળ્યું. વ્યાપક બજારમાં મિશ્ર વલણ રહ્યું. નિફ્ટી મિડકેપ 0.44 ટકા ઘટ્યો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.48 ટકા વધ્યો, જે રોકાણકારોમાં સ્મોલકેપ શેરો પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે.
નિફ્ટી-50માં SBI, BEL, Eternal, Titan, Shriram Finance અને Ciplaના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી. જ્યારે Power Grid, Tata Steel, JSW Steel, TCS અને Bajaj Autoના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો. બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની કિંમતોમાં નરમાઈ, હોર્મુઝ જળમાર્ગમાં શિપિંગ સામાન્ય થવાની આશા અને RBI દ્વારા વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય બજાર માટે સકારાત્મક સાબિત થયો છે.
નિષ્ણાતોનું માનવું છે કે આગામી ત્રિમાસિક ગાળામાં કંપનીઓના નફામાં સુધારાની શક્યતા છે. ક્રૂડ ઓઈલ સસ્તું રહેતાં મોંઘવારી પર નિયંત્રણ રહેશે અને કંપનીઓના માર્જિનમાં વધારો થઈ શકે છે. જોકે ઓટો, મેટલ, IT અને રિયલ્ટી ક્ષેત્રમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હોવા છતાં સ્મોલકેપ શેરોની મજબૂતીને કારણે સમગ્ર બજાર સકારાત્મક ઝોનમાં બંધ રહ્યું.




