ભારતીય શેરબજારને મોટો ઝટકો! વિશ્વની ટોપ-100 કંપનીઓમાંથી RIL, HDFC Bank અને TCS બહાર



ભારતીય શેરબજારને મોટો ઝટકો! વિશ્વની ટોપ-100 કંપનીઓમાંથી RIL, HDFC Bank અને TCS બહાર



Indian Stock Market Crash 2026: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વેસ્ટ એશિયામાં વધતા તણાવ, કાચા તેલના ભાવમાં ઉછાળો અને રૂપિયામાં નબળાઈ વચ્ચે ભારતીય બજારોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે વિશ્વની ટોપ-100 લિસ્ટેડ કંપનીઓમાં હવે એકપણ ભારતીય કંપની સામેલ નથી. બ્લૂમબર્ગના માર્કેટ કેપિટલાઇઝેશન આધારિત આંકડા મુજબ, વર્ષ 2025ની શરૂઆતમાં Reliance Industries (RIL), HDFC Bank અને Tata Consultancy Services (TCS) વિશ્વની ટોપ-100 કંપનીઓમાં સ્થાન ધરાવતા હતા. પરંતુ હાલ આ ત્રણેય કંપનીઓ આ યાદીમાંથી બહાર થઈ ગઈ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ઝટકો
દેશની સૌથી મૂલ્યવાન કંપની ગણાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2025ની શરૂઆતમાં વૈશ્વિક સ્તરે 57મા ક્રમે હતી. ત્યારબાદ 2026ની શરૂઆતમાં 73મા સ્થાને પહોંચી અને હવે લગભગ 106મા સ્થાને સરકી ગઈ છે. કંપનીના માર્કેટ કેપમાં આવેલા ઘટાડાને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.
HDFC Bank અને TCS પણ લિસ્ટમાંથી બહાર
HDFC Bank, જે ભારતની સૌથી મોટી પ્રાઇવેટ બેંક ગણાય છે, તે પણ હવે વૈશ્વિક રેન્કિંગમાં 190મા સ્થાને પહોંચી ગઈ છે. અગાઉ 2025ની શરૂઆતમાં બેંક 97મા સ્થાને હતી. તે જ રીતે ભારતની અગ્રણી IT કંપની TCS માટે પણ સ્થિતિ ચિંતાજનક बनी છે. 2025માં 84મા ક્રમે રહેલી TCS હવે વૈશ્વિક સ્તરે 314મા ક્રમે પહોંચી ગઈ છે. IT સેક્ટરમાં વૈશ્વિક મંદી અને વિદેશી ઓર્ડરમાં ઘટાડાને કારણે કંપનીના શેરમાં દબાણ જોવા મળી રહ્યું છે.
Infosys, ITC અને અન્ય કંપનીઓની સ્થિતિ પણ નબળી
Infosys પણ ભારે ઘટાડાનો સામનો કરી રહી છે. કંપની હવે વૈશ્વિક સ્તરે 590મા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે ITC 702મા સ્થાને સરકી ગઈ છે. તે સિવાય Bharti Airtel, ICICI Bank અને SBI જેવી મોટી ભારતીય કંપનીઓની રેન્કિંગમાં પણ ઘટાડો નોંધાયો છે. આ સમગ્ર પરિસ્થિતિ ભારતીય બજાર માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહી છે.
વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી
ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII/FPI) સતત વેચવાલી કરી રહ્યા છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં લગભગ ₹2.20 લાખ કરોડની વેચવાલી થઈ ચૂકી છે. માત્ર એપ્રિલ મહિનામાં જ ₹60,847 કરોડ અને મે મહિનામાં ₹27,048 કરોડની વેચવાલી નોંધાઈ છે. વિશ્લેષકોના મતે, વૈશ્વિક અનિશ્ચિતતા, ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ અને અમેરિકી બજારમાં મજબૂતીને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં બહાર ખેંચી રહ્યા છે.
રોકાણકારો માટે શું સંકેત?
બજારમાં હાલ ભારે અસ્થિરતા છે. નિષ્ણાતોનું માનવું છે કે ટૂંકા ગાળામાં બજારમાં વધુ દબાણ જોવા મળી શકે છે. જોકે લાંબા ગાળાના રોકાણકારો માટે સારી કંપનીઓમાં SIP અને ધીમે ધીમે રોકાણ ચાલુ રાખવું યોગ્ય માનવામાં આવી રહ્યું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



