RBIના નિર્ણય બાદ શેરબજારમાં તેજી: સેન્સેક્સ 152 પોઇન્ટ વધ્યો, રોકાણકારોને ₹2.5 લાખ કરોડનો ફાયદો


RBIના નિર્ણય બાદ શેરબજારમાં તેજી: સેન્સેક્સ 152 પોઇન્ટ વધ્યો, રોકાણકારોને ₹2.5 લાખ કરોડનો ફાયદો


Indian Stock Market Today: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત બાદ બુધવારે ભારતીય શેરબજારમાં દિવસભર ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. તેમ છતાં દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ રહ્યા. BSE સેન્સેક્સ 152 અંક (0.19%) વધીને 78,581 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 50 લગભગ 10 અંક (0.04%)ની નજીવી વધત સાથે 24,624.65 પર બંધ થયો.
દિવસભર રહ્યો ભારે ઉતાર-ચઢાવ
સેન્સેક્સે દિવસ દરમિયાન 79,055.38ની ઊંચી સપાટી સ્પર્શી હતી, પરંતુ અંતે મોટાભાગનો લાભ ગુમાવી દીધો. નિફ્ટીએ પણ દિવસ દરમિયાન 24,677.60ની ટોચ અને 24,497.95નું નીચલું સ્તર નોંધાવ્યું.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી
વ્યાપક બજારમાં નિફ્ટી મિડકેપ 100માં 0.18 ટકા અને નિફ્ટી સ્મોલકેપ 100માં 0.76 ટકાનો વધારો નોંધાયો હતો.
કયા સેક્ટરે દેખાડ્યું જોર?
બજારમાં મેટલ, રિયલ્ટી અને ઓટો સેક્ટરના શેરોએ સારી તેજી નોંધાવી, જ્યારે બેંકિંગ અને પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરમાં નબળાઈ જોવા મળી.
આ શેરોએ આપી મજબૂત કમાણી
નિફ્ટી-50માં શ્રીરામ ફાઇનાન્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, JSW સ્ટીલ, હિન્ડાલ્કો, NTPC અને બજાજ ઓટોના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી. બીજી તરફ TCS, અપોલો હોસ્પિટલ્સ, HCL ટેક, સન ફાર્મા, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને SBI લાઇફના શેરોમાં ઘટાડો નોંધાયો.
રોકાણકારોને ₹2.5 લાખ કરોડથી વધુનો ફાયદો
BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ₹489.5 લાખ કરોડથી વધીને ₹492.2 લાખ કરોડ થયું. પરિણામે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસે ₹2.5 લાખ કરોડથી વધુનો વધારો થયો.
RBIના નિર્ણયથી મળ્યો ટેકો
RBIની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખ્યો અને નીતિગત વલણ 'તટસ્થ' જાળવ્યું. ઉપરાંત RBIએ વિત્ત વર્ષ 2027માં ભારતનો વિકાસ દર 6.7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, જ્યારે મોંઘવારી (CPI) 5 ટકા આસપાસ રહેવાની શક્યતા દર્શાવી છે.
વૈશ્વિક ઘટનાઓ પર પણ નજર
બજારની નજર હાલમાં મધ્યપૂર્વની પરિસ્થિતિ પર પણ છે. મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા, ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગ અંગે સમજૂતીની શક્યતા વધી રહી છે. જો આ સમજૂતી થાય તો વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારમાં રાહત મળી શકે છે.




