અયોધ્યા રામ મંદિર ચંદા-ચઢાવા ગોટાળા મામલે SITની તપાસ તેજ, 11 લોકોના નિવેદન નોંધાયા



અયોધ્યા રામ મંદિર ચંદા-ચઢાવા ગોટાળા મામલે SITની તપાસ તેજ, 11 લોકોના નિવેદન નોંધાયા



Ram Mandir Donation Scame: આયોધ્યા રામ મંદિરના ચંદા-ચઢાવામાં થયેલા કથિત ગેરરીતિ અને ગોટાળા મામલે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ તપાસ વધુ તેજ કરી છે. મળતી માહિતી મુજબ, રવિવારે SITએ ચંદા ગણતરી સાથે જોડાયેલા કુલ 11 લોકોના નિવેદનો નોંધ્યા હતા. તેમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના પૂર્વ ડ્રાઈવર સહિત અનેક વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જે દાનની રકમની ગણતરી અને વ્યવસ્થાપન સાથે જોડાયેલા હતા.
તપાસમાં સામેલ થયેલા લોકોમાં રામશંકર ઉર્ફે ટિન્નૂ યાદવ, ગોપાલ રાવ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, રવિ મિશ્રા, અવનીશ, કરુણેશ, મનીષ યાદવ, રાજેશ પાઠક, રૂપલ મિશ્રા અને કે.ડી. તિવારીનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર, ટિન્નૂ યાદવ ચંપત રાયના પૂર્વ ડ્રાઈવર રહી ચૂક્યા છે અને તેમને ચંદાની ગણતરી પ્રક્રિયામાં પણ જોડવામાં આવતા હતા. ગોપાલ રાવ આ ગણતરી કાર્યના મુખ્ય જવાબદાર માનવામાં આવે છે અને ટ્રસ્ટના કેટલાક સભ્યોના નજીકના સહયોગી તરીકે ઓળખાય છે.
SITની તપાસનો મુખ્ય ફોકસ દાનની રકમ કેવી રીતે એકત્ર કરવામાં આવી, તેની ગણતરી કેવી રીતે થઈ અને તે પછી બેંકમાં જમા કરાવવાની પ્રક્રિયામાં ક્યાંક કોઈ અનિયમિતતા તો નથી તે બાબતો પર છે. આ સંદર્ભમાં આગામી દિવસોમાં અયોધ્યાના તુલસીનગર સ્થિત SBI બેંકના અધિકારીઓ અને કર્મચારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. ઉપરાંત મંદિરના પુજારીઓ અને ટ્રસ્ટ સાથે સંકળાયેલા અન્ય સભ્યોને પણ તપાસના દાયરામાં લેવામાં આવી શકે છે.
રિપોર્ટ મુજબ, ચંદા એકત્ર કર્યા બાદ તેની ગણતરી માટે એક આઉટસોર્સિંગ એજન્સીની પણ મદદ લેવામાં આવતી હતી, જેના અધિકારીઓની ભૂમિકા પણ તપાસ હેઠળ છે. SITને આ તપાસ 15 દિવસમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી સમગ્ર મામલાની વિગતવાર રિપોર્ટ સોંપી શકાય.
આ કેસ સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચા તેજ બની છે. હાલ SIT તમામ દસ્તાવેજો, રસીદો અને ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




