ફિફા વર્લ્ડ કપ : અમેરિકા સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયન કોચનો સ્વીકાર, કહ્યું- પ્રથમ હાફમાં ટીમ નિષ્ફળ રહી



ફિફા વર્લ્ડ કપ : અમેરિકા સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયન કોચનો સ્વીકાર, કહ્યું- પ્રથમ હાફમાં ટીમ નિષ્ફળ રહી



સિએટલ : ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-D મુકાબલામાં અમેરિકા સામે 0-2થી મળેલી હાર બાદ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ ટોની પોપોવિચે ટીમના નબળા પ્રદર્શન પર ખુલ્લેઆમ નિરાશા વ્યક્ત કરી છે. પોપોવિચે કહ્યું કે પ્રથમ હાફમાં તેમની ટીમ મેચના ટેમ્પો સાથે તાલમેલ બેસાડી શકી નહોતી અને એ જ હારનું મુખ્ય કારણ બન્યું.
તુર્કિયે સામેની પ્રથમ મેચમાં 2-0ની જીત બાદ આત્મવિશ્વાસથી ભરપૂર ઓસ્ટ્રેલિયન ટીમ અમેરિકા સામે મેદાનમાં ઉતરી હતી. જોકે, સિએટલમાં રમાયેલી આ મેચમાં અમેરિકન ટીમની ઝડપ અને આક્રમક રમત સામે ઓસ્ટ્રેલિયા શરૂઆતથી જ દબાણ હેઠળ જોવા મળ્યું હતું.
મેચની 11મી મિનિટમાં જ અમેરિકાને લીડ મળી હતી. ફોલારિન બાલોગુનના ક્રોસને ક્લિયર કરવાનો પ્રયાસ કરતી વખતે ઓસ્ટ્રેલિયાના ડિફેન્ડર કેમેરોન બર્ગેસ પાસેથી ઓન ગોલ થઈ ગયો હતો, જેના કારણે અમેરિકા 1-0થી આગળ નીકળી ગયું હતું.
પ્રથમ હાફ પૂર્ણ થવાના થોડા સમય પહેલાં એલેક્સ ફ્રીમેને વધુ એક ગોલ ફટકારી અમેરિકાની લીડ 2-0 કરી દીધી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ગોલ કરવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ અમેરિકન ડિફેન્સ સામે સફળતા મેળવી શક્યું નહોતું.
મેચ બાદ ટોની પોપોવિચે જણાવ્યું કે પ્રથમ હાફમાં ટીમ બીજી બોલ અને મહત્વપૂર્ણ ચેલેન્જ જીતવામાં સતત સંઘર્ષ કરતી રહી હતી. તેમણે કહ્યું, "અમે દરેક બોલ પર થોડા ધીમા પડ્યા હતા. અમેરિકાની શારીરિક રમત અને ઝડપનો અમારી ટીમ પર સ્પષ્ટ પ્રભાવ પડ્યો હતો. અમે સરળ ગોલ ગુમાવ્યા અને મેચમાં પોતાની અસર જમાવી શક્યા નહોતા."
તેમણે સ્વીકાર્યું કે બીજા હાફમાં ટીમનું પ્રદર્શન ઘણું સુધર્યું હતું. હાફ ટાઇમ દરમિયાન કરાયેલા ત્રણ ફેરફારોનો સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો હતો. "બીજા હાફમાં ખેલાડીઓએ હાર સ્વીકારી નહોતી અને વધુ આક્રમક રમત દર્શાવી હતી. ટીમની પ્રતિક્રિયાથી હું ખુશ છું," એમ પોપોવિચે જણાવ્યું.
અમેરિકા સામેની આ હાર બાદ ઓસ્ટ્રેલિયાના બે મેચમાં ત્રણ પોઇન્ટ છે. હવે 25 જૂને પેરાગ્વે સામેની મેચ ટીમ માટે 'કરો યા મરો' જેવી બની ગઈ છે. નોકઆઉટ તબક્કામાં પહોંચવાની આશા જાળવી રાખવા માટે ઓસ્ટ્રેલિયાને આ મુકાબલામાં જીત મેળવવી અનિવાર્ય બનશે.
પોપોવિચે કહ્યું કે ટીમે આ હારમાંથી પાઠ શીખીને આગામી મેચમાં વધુ મજબૂત વાપસી કરવી પડશે. "અમારે આ પરાજયને પાછળ છોડવો પડશે અને આગામી પડકાર માટે સંપૂર્ણ તૈયારી સાથે ઉતરવું પડશે," એમ તેમણે ઉમેર્યું.




